અમેરિકમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી સમગ્ર વિશ્વના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાઓને લઈને ઘણા દેશો ટેન્શનમાં છે. આ દરમિયાન ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે ભારત એવા દેશોમાંથી એક નથી જે અમેરિકાને લઈને ડરી રહ્યું હોય.
મુંબઈમાં આયોજિત આદિત્ય બિરલા 25મી સિલ્વર જ્યુબિલી શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ‘વડાપ્રધાન મોદીના અમેરિકા સાથે મજબૂત સંબંધો છે.’ તેમણે કહ્યું કે, ‘જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી, ત્યારે તેમના પ્રથમ ત્રણ ફોનમાંથી એક ફોન પીએમ મોદીને હતો.’
તેમણે આગળ કહ્યું, ‘પીએમ મોદીએ ઘણા અમેરિકન રાષ્ટ્રપતિઓ સાથે સારા સંબંધો સ્થાપ્યા છે. જ્યારે પીએમ મોદી પહેલીવાર વોશિંગ્ટન ડીસી ગયા હતા ત્યારે બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પછી જો બાયડન રાષ્ટ્રપતિ બન્યા. વિદેશ મંત્રીએ કહ્યું કે ‘આજે ઘણા દેશો અમેરિકાથી ગભરાય રહ્યા છે, પરંતુ ભારત તેમાનો એક દેશ નથી.
કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા ડૉ.જયશંકરે કહ્યું કે ભારતની પ્રગતિની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. તેમણે કહ્યું કે દુનિયા ભારતમાં થઈ રહેલા પરિવર્તનોને જોઈ રહી છે અને તેની પ્રશંસા કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં 75 નવા એરપોર્ટ, 16 નવા મેટ્રો, સારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, સારી રેલ્વે મુસાફરી અને યુવા પ્રતિભા આનો પુરાવો છે.