જામનગર શહેરમાં ઠેકાણે અને ચારેકોર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસની ત્રીજી આંખ સમાન કામગીરી કરી રહ્યા છે. કોઈપણ મોટો ગુનેગાર પોલીસની આ ત્રીજી આંખથી બચતો નથી. આથી જામનગરના આ સીસીટીવી કેમેરા શહેરીજનોની શાંતિ માટે આશીર્વાદરૂપ સમાન થયા છે. બીજી તરફ નેત્રમ દ્વારા સંચાલન કરવામાં આવતા આ સીસીટીવી કેમેરાની મદદથી નિયમ ભંગ બદલ બાઈકચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.જામનગરમાં ઈ-મેમોના માધ્યમથી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ વાહનચાલકો બેદરકારી દાખવી મેમોના દંડ ભરતા નથી. આવા ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. હાલ ૩૬૨૭ વાહન ચાલકોને નોટિસ આપી આગામી તા. ૧૪ ના રોજ યોજનારા ‘રાષ્ટ્રીય લોક અદાલત માં ચલણ ભરી જવા તાકીદ કરાઈ છે.
જામનગર શહેરમાં પોલીસ દ્વારા સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. જુદા જુદા વિસ્તારોમાં ૩૫૫ જેટલા સીસીટીવીની બાજ નજર લોકો પર છે. અને હજુ પણ આગામી સમયમાં ૧૪૬ કેમેરાઓ લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. એટલે કે કોઈ ગુનો કર્યો તો ગયા સમજો. સાતિર ગુનેગાર આ કેમેરાની નજરથી બચી શકશે નહીં. ૨૪ કલાક કેમેરા દ્વારા શહેરીજનો પર નજર રાખવામાં આવી છે અને ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સુધી પહોંચવામાં આ કેમેરા ખૂબ મદદરૂપ થાય છે. જામનગરને કેમેરાથી સજ્જ કરાયા બાદ કાલાવડ, જામજોધપુર અને ધ્રોલમાં કેમેરા લગાવવાની પોલીસ દ્વારા ઉચ્ચ કક્ષાએ માંગ કરવામાં આવી હતી. જેમાંથી કાલાવડમાં મંજૂરી મળતા કાલાવડમાં પણ આગામી સમયમાં ૬૩ કેમેરા લગાવવામાં આવશે. કેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
શહેરના કેમેરાઓનું એસપી કચેરી પાસે ઉભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી મોનિટરિંગ કરાઈ છે. ત્રિપલ સવારી, મોબાઈલ પર વાત કરવી, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન બાંધનાર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો દ્વારા દંડ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોને આ મેમો મોકલાયો છે. જોકે તેની રકમ ભરવામાં લોકો ઉદાસીનતા દાખવી રહ્યા છે. ઈ-મેમોના નાણા ભરવા માટે હાલ એસપી કચેરી ખાતે ઉભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ’‘ની બારીએ રૂબરૂ ભરી અને ઓનલાઈન ઈ-ચલણ પણ ભરી શકે છે. જેને ભરી જવા શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા તાકીદ કરવામાં આવી છે.