Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુકેની નવી સરકારે ફેમિલી વિઝા માટે મિનિમમ આવકનો નિયમ કર્યો સ્થગિત

યુકેએ ફેમિલી વિઝાના મામલામાં એક મોટી રાહતની જાહેરાત કરી છે. યુકેના ફેમિલી વિઝા જોઈતા હોય તો તેના માટે મિનિમમ આવકની જરૂરિયાત વધારવામાં આવી હતી તેના કારણે ઘણા લોકો ફેમિલી વિઝા મેળવી શકે તેમ ન હતા. પરંતુ નવી સરકારે આ લઘુતમ આવકનો નિયમ હમણાં સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મિનિમમ આવકની જે મર્યાદા નક્કી કરાઈ હતી તેનો અમલ અટકાવાઈ દેવાયો છે. યુકેના હોમ સેક્રેટરીએ માઈગ્રેશન એડવાઈઝરી કમિટીને જણાવ્યું છે કે ફેમિલી ઈમિગ્રેશન રુલ્સમાં જે નાણાકીય બાબતો છે તેની સમીક્ષા કરવામાં આવે. યુકેના ફેમિલી વિઝા માટે કોઈ અરજી કરે તો તેને સ્પોન્સર કરવા માટે મિનિમમ આવક હાલમાં ૨૯,૦૦૦ પાઉન્ડ નક્કી કરવામાં આવી છે અને તેમાં તબક્કાવાર વધારો કરીને પછી ૩૮,૭૦૦ પાઉન્ડ સુધી લઈ જવાની હતી. પરંતુ આ રકમ હવે ૨૯ હજાર પાઉન્ડ પર જ સ્થિર કરી દેવામાં આવી છે. થોડા થોડા સમયે મિનિમમ આવકની રિક્વાયરમેન્ટ વધારવામાં આવી હોત તો ઘણા લોકોને તકલીફ પડે તેમ હતી. યુકેના વડાપ્રધાન કિએર સ્ટાર્મરે હાલપૂરતો તેનો અમલ અટકાવી દીધો છે. તેથી હવે કોઈ વ્યક્તિ પોતાના પરિવારજનને યુકે લાવવા માગતું હોય તો તેને રાહત મળશે.
યુકેની સરકારે આ વિશે સંસદમાં એક નિવેદન આપીને જાહેરાત કરી છે. તેમાં કહેવાયું છે કે ફેમિલી ઈમિગ્રેશન રુલ્સમાં આપણે બેલેન્સ જાળવવાનું છે. ફેમિલી લાઈફ પણ હોવી જોઈએ અને યુકેમાં નાણાકીય રીતે સક્ષમ હોય તે જરૂરી છે. તેથી હવે નાણાકીય જરૂરિયાત પ્રમાણે ૨૯,૦૦૦ પાઉન્ડની જે મિનિમમ આવક નક્કી કરવામાં આવી છે તેમાં કોઈ ફેરફાર હમણાં નહીં થાય અને તેની સમીક્ષા કરવામાં આવશે.
એપ્રિલ ૨૦૨૪માં મિનિમમ આવકનો પહેલો તબક્કો લાગુ થયો ત્યારે આવક ૨૯,૦૦૦ પાઉન્ડ નક્કી કરવામાં આવી હતી. જે વ્યક્તિની આટલી આવક હોય તે પોતાના ફેમિલી મેમ્બરને યુકે લાવવા માટે સ્પોન્સર કરી શકે છે. ત્યાર પછી બીજા તબક્કામાં આવક વધારીને ૩૪,૫૦૦ પાઉન્ડ રાખવાની હતી અને અંતે તેને ૩૮,૭૦૦ પાઉન્ડ સુધી લઈ જવાની હતી. એપ્રિલ અગાઉ આ માત્ર ૧૮,૬૦૦ પાઉન્ડની હતી. ૧૧ એપ્રિલ પછી જેમણે અરજી કરી હશે તેમના માટે મિનિમમ આવકની જરૂરિયાતમાં ચાઈલ્ડ માટે કોઈ અલગથી કોમ્પોનન્ટ નહીં હોય.
હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ઓફ સ્ટેટનું કહેવું છે કે સ્ટુડન્ટ અને ગ્રેજ્યુએટ વિઝા રૂટનો દુરુપયોગ ન થાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં સિસ્ટમમાં ઘણા સુધારા કરાયા હતા. જેમ કે મોટા ભાગના વિદેશી સ્ટુડન્ટને હવે યુકેમાં તેમના પરિવારજનોને લાવતા રોકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેર વર્કર્સ અને સિનિયર કેર વર્કર્સ પણ પોતાના આશ્રિતોને યુકે નથી લાવી શકતા, તેમના માટે ઘણા રિસ્ટ્રિક્શન લાગુ થયા છે. ત્રીજું, માઈગ્રન્ટને સ્પોન્સર કરતા તમામ કેર વર્કરે કેર ક્વોલિટી કમિશનમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
આ ઉપરાંત સ્કિલ્ડ વર્કર વિઝા પર આવનાર માટે જનરલ સેલેરી થ્રેસહોલ્ડ ૨૬,૨૦૦ પાઉન્ડથી વધારીને ૩૮,૭૦૦ પાઉન્ડ કરવામાં આવી છે. ૨૦ ટકાનું ગોઈંગ રેટ ડિસ્કાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે. તેથી જે વ્યવસાયમાં માણસોની શોર્ટેજ હોય, ત્યાં માઈગ્રન્ટને યુકેના વર્કર કરતા ઓછો પગાર આપી નહીં શકાય.
યુકેમાં કોઈ વ્યક્તિ પોતાના પરિવારજનને બોલાવે અને તેની સાથે છ મહિના કરતા વધારે રહેવું હોય તો ફેમિલી વિઝાની જરૂર પડે છે. પરંતુ તમારા ફેમિલી મેમ્બર યુકેમાં વર્ક વિઝા અથવા સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હોય તો તેઓ ફેમિલી વિઝા માટે અરજી કરી શકતા નથી. તેના બદલે ડિપેન્ડન્ટ તરીકે સાથે રહેવા માટે અરજી કરવી પડે છે.
યુકેએ જ્યારે ફેમિલી વિઝા માટે આવકની જરૂરિયાત વધારવાનો નિર્ણય લીધો ત્યારે જ વિવાદ થયો હતો. ઘણા લોકોએ કહ્યું હતું કે હવે પરિવારો એકસાથે નહીં રહી શકે. યુકેએ એવી દલીલ કરી હતી કે અમારે ત્યાં ઈમિગ્રેશન બહુ ઊંચું છે અને તેને ઘટાડવાની જરૂર છે. ત્યાર પછી ૧૧ એપ્રિલથી એવો નિયમ આવી ગયો કે તમારે પોતાના સ્વજનને વિદેશથી યુકે લાવવા હોય તો તમારી વાર્ષિક આવક ૨૯,૦૦૦ પાઉન્ડથી વધુ હોવી જોઈએ. પહેલા આ રકમ ૧૮,૬૦૦ પાઉન્ડ હતી, તેને વધારીને ૨૯,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી. ત્યાર પછી આગામી વર્ષ સુધીમાં તેને ૩૮,૭૦૦ પાઉન્ડ કરવાનો પ્લાન હતો. પરંતુ તેનો ભારે વિરોધ થયો અને હવે ૨૯ હજાર પાઉન્ડ પર જ સ્કીમને ફ્રીઝ કરી દેવાઈ છે.

 

Related posts

‘हमारे पास नहीं है दाऊद’ : पाक.

aapnugujarat

૯૭ દિવસ બાદ બ્રિટન થયું અનલોક

editor

700 रुपये ज्यादा चुकाना होगा H1-b वीजा के लिए आवेदन शुल्क

aapnugujarat
UA-96247877-1