ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ છેલ્લા કેટલાક સમયથી એક્શનમાં જોવા મળી રહી છે. તેનું કારણ એ છે કે ટ્રાઈને ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ટેલિમાર્કેટિંગ કંપનીઓ વિરુદ્ધ લગભગ 8 લાખ ફરિયાદો મળી છે. જેના કારણે TRAIએ લગભગ સાડા ત્રણ લાખ ટેલિફોન નંબરોને ડિસ્કનેક્ટ કરી દીધા છે. તેમજ લગભગ 50 કંપનીઓની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
નિષ્ણાતોના મતે TRAIને ફેક કોલ્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેમના તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાઈ સતત નિરીક્ષણ કરી રહી છે. આ પહેલા પણ ટેલિકોમ રેગ્યુલેટરે અનરજિસ્ટર્ડ કંપનીઓને બ્લોક કરવાની માહિતી આપી હતી. ચાલો તમને એ પણ જણાવીએ કે TRAI દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રાઈની કાર્યવાહી, લાખોની સંખ્યામાં ટેલિફોન નંબરોને કર્યા ડિસ્કનેક્ટ
અનિચ્છનીય કોલ્સ અને અનરજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામેની જંગી કાર્યવાહીમાં, 2.75 લાખ ટેલિફોન નંબરો ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે અને 50 કંપનીઓની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા તાજેતરમાં અપનાવવામાં આવેલા કડક વલણ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ કંપનીઓને અનરજિસ્ટર્ડ ટેલી-માર્કેટિંગ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા અને તેમના નંબર બ્લોક કરવા જણાવ્યું હતું.
લગભગ 8 લાખ ફરિયાદો
ટ્રાઈએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે ફેક કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. વર્ષ 2024 ના પ્રથમ છ મહિનામાં અનરજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામે 7.9 લાખથી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. ટ્રાઈએ કહ્યું કે આને રોકવા માટે, 13 ઓગસ્ટ 2024 ના રોજ તમામ એક્સેસ પ્રોવાઈડર્સને કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી અને તેમને તાત્કાલિક બિન-રજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓને કાબૂમાં લેવા કહેવામાં આવ્યું હતું.
50થી વધુ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે
ટ્રાઈએ કહ્યું કે, આ સૂચનાઓને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓએ ફેક કોલ માટે ટેલિકોમ સંસાધનોના દુરુપયોગ સામે કડક પગલાં લીધા છે. તેઓએ 50 થી વધુ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે અને 2.75 લાખથી વધુ SIP DIDs/મોબાઈલ નંબર્સ/ટેલિકોમ સંસાધનોને બ્લોક કર્યા છે. આ પગલાંથી નકલી કોલ્સ ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે તેવી અપેક્ષા છે. ટ્રાઈએ તમામ હિતધારકોને સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ ટેલિકોમ ઈકોસિસ્ટમમાં યોગદાન આપવા વિનંતી કરી છે.