ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથની સરકારે લવજેહાદ અંગે સખત કાયદાની તાજેતરમાં જાહેરાત કરી છે હવે સીએમ યોગી બાદ ભાજપના બીજા ફાયર બ્રાન્ડ મુખ્ય પ્રધાન દ્વારા આવી જ જાહેરાત કરવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા વિશ્વાસરમાં એ લવ જેહાદ સામે કાયદો ઘડવાની અને હાલના કાયદામાં સુધારો કરવાની જાહેરાત કરી છે
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ રવિવારે કહ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં ‘લવ જેહાદ’ કેસમાં આજીવન કેદ માટે કાયદો લાવશે. પ્રદેશ ભાજપ કાર્યકારિણીની બેઠકમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, “અમે ચૂંટણી દરમિયાન ‘લવ જેહાદ’ વિશે વાત કરી હતી. ટૂંક સમયમાં અમે એક કાયદો લાવશું, જે આવા કેસમાં આજીવન કેદની જોગવાઈ કરશે.” સરમાએ એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં નવી ડોમિસાઇલ પોલિસી લાવવામાં આવશે, જેના હેઠળ આસામમાં જન્મેલા લોકો જ રાજ્ય સરકારની નોકરી માટે પાત્ર હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પહેલાના વચન મુજબ આપવામાં આવેલી “એક લાખ સરકારી નોકરીઓ”માં સ્વદેશી લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે સંપૂર્ણ યાદી પ્રસિદ્ધ થશે ત્યારે સ્પષ્ટ થશે.
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હિંદુ અને મુસ્લિમ વચ્ચેના જમીન વેચાણ અંગે પણ નિર્ણય લેશે. રાજ્ય સરકાર આવા નિર્ણયોને રોકી શકતી નથી, પણ આવા વ્યવહારો કરતા પહેલા મુખ્ય પ્રધાનની સંમતિ લેવી જરૂરી બનાવવામાં આવશે.
સીએમ સરમાએ કહ્યું હતું કે, “2011માં આસામમાં 1.4 કરોડ મુસ્લિમ હતા. 2041 સુધીમાં આસામ મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે. આ એક વાસ્તવિકતા છે અને તેને કોઈ રોકી શકશે નહીં.” મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, “દર 10 વર્ષે આસામમાં મુસ્લિમ વસ્તી 11 લાખ વધે છે. આ હિમંત બિસ્વા સરમાનો ડેટા નથી, પરંતુ ભારતીય વસ્તી ગણતરીનો ડેટા છે. આ ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે.” સરમાએ કહ્યું હતું કે હિંદુ સમુદાયનો વસ્તી વધારાનો દર મુસ્લિમ સમુદાય કરતા ઓછો છે. આસામના સીએમએ કહ્યું હતું કે તેમની સરકારે મુસ્લિમ સમુદાયની વસ્તી વૃદ્ધિ ઘટાડવા માટે પગલાં લીધાં છે.
લવ જેહાદ સામે કાયદો ઘડનાર યુપી દેશનું પ્રથમ રાજ્ય હતું. વિપક્ષોએ જોકે, યોગી સરકારના આ પગલાને સમાજ માટે વિભાજન કરનારું અને દુશ્મની પેદા કરનારું પગલું ગણાવ્યું હતું. હવે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ લવ જેહાદ સામે કાયદો લાવવાની જાહેરાત કરી દીધી છે.