રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહિ, જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણાશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે કરેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે.
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં ૧:૩ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી. જુના શિક્ષકની આ ભરતી વર્ષ 2011માં થઇ હતી. ત્યારબાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહિ તે પ્રશ્નનું નિરાકારણ લાવવામાં આવ્યું છે. જેમાં વતનથી દુર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થતુ અટકે તેનો સરાહનીય નિર્ણય કરાયો છે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.