ઓનલાઈન ટિકિટ બુકિંગને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓનલાઈન ટિકિટ બુકિંગ ફી પર મનોરંજન કર લાદી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સામેની અપીલ ફગાવી દીધી છે.
જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની ખંડપીઠે ચુકાદો સંભળાવતા કહ્યું કે, તમિલનાડુ એન્ટરટેઈનમેન્ટ ટેક્સ એક્ટ 1939 હેઠળ ઓનલાઈન ટિકિટ બુકિંગ ફી પર મનોરંજન કર લાદી શકાય નહીં. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે પણ બુકિંગ ફી પર મનોરંજન કર લાદવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.
‘વધારાના ચાર્જ મનોરંજન માટે નથી’
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ વધારાની ફી મનોરંજન માટે નથી. આ સિસ્ટમ દ્વારા, તમને ઘરે બેઠા ટિકિટ ખરીદવાની સેવા આપવામાં આવે છે. આનો હેતુ એ છે કે તમે તમારી ઊર્જા, સમય અને પેટ્રોલની બચત કરી રહ્યા છો. બદલામાં, તમે ઓનલાઈન સેવા માટે 30 રૂપિયા વધારાના ચાર્જ કરો છો.
સુપ્રીમ કોર્ટે અરજદાર દ્વારા ડ્રાઇવિંગ થિયેટર સાથે કરેલી સરખામણીને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ ઓનલાઈન બુકિંગનો મામલો છે અને સરખામણીને ખોટી ગણાવી. અગાઉ, જસ્ટિસ બીવી નાગરથનાએ મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે આ વધારાની ફી મનોરંજન માટે નથી, પરંતુ તે લોકોની સુવિધા માટે છે, જેઓ થિયેટરમાં ગયા વિના ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે.
કોમર્શિયલ ટેક્સ અધિકારીએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો
સુપ્રીમ કોર્ટ પહેલા, મદ્રાસ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમિલનાડુ મનોરંજન કર અધિનિયમ, 1939 હેઠળ સિનેમા માલિક દ્વારા પ્રદાન કરવામાં આવતી ઇન્ટરનેટ સેવા પર ટેક્સ લગાવી શકે નહીં. આ પછી કોમર્શિયલ ટેક્સ ઓફિસર દ્વારા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.