કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટી ઘોષણાઓ કરી હતી. જેમાથી એક યોજના આદિવાસીઓ માટે પણ મહત્વની જાહેર કરી છે. જેને લઈ દેશભરના પાંચ કરોડ જેટલા આદિવાસીઓને લાભ મળશે, જેમાં 63 હજાર ગામોને આ યોજના હેઠળ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આદિવાસીઓના માટે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન જાહેર કર્યું છે.
આદિવાસી સમૂહોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ યોજનામાં આદિવાસી બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારો અને જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
63,000 ગામોને આવરી લેવાશે
નાણામંત્રી સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ યોજના આદિવાસી વસ્તી ધરાવતા ગામો અને જિલ્લાઓમાં આદિવાસી પરિવારોનો સમાવેશે કરશે. આ અભિયાન હેઠળ આદિવાસી વસ્તી ધરાવતા લગભગ 63,000 ગામડાઓને આવરી લેવામાં આવશે. યોજના થકી 5 કરોડ આદિવાસીઓને લાભ મળશે.
PM મુદ્રા લોન યોજનાની રકમ બમણી કરાઈ
PM મુદ્રા લોન યોજનાની રકમ બમણી કરવામાં આવી હોવાની મહત્વની જાહેરાત બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે. એટલે કે હવે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ 10 બદલે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. પીએમ મુદ્રા લોન યોજના હેઠળ આ પહેલા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલી હતી. નવા બજેટમાં હવે વધારી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે બેરોજગારોને રોજગાર સાથે જોડવા માટે આ યોજના લાગુ કરી હતી. આ યોજના દ્વારા નવી રોજગારી માટે અગાઉ 10 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. બજેટમાં હવે આ અંગે મોટી જાહેરાત કરતા તે રકમને બમણી કરી દેવામાં આવી છે. આમ હવે રોજગારી માટે યુવાનોને મોટો લાભ મળશે.
બજેટની શરૂઆતમાં નાણામંત્રી સીતારમણે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન આપવાની વાત કરી હતી. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ 80 કરોડ લોકોને મળશે.