નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન સ્કીમ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી અમલી કરવાની માગ કરી રહ્યા છે ત્યારે નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓના હિતમાં નવી પેન્શન સ્કીમની ફરી સમીક્ષા કરવાની બજેટ 2024માં જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે નવી પેન્શન સ્કીમને લઈને ચાલી રહેલા વિવાદના સમાધાન માટે એક કમિટી બનાવવામાં આવશે. જેમા તમામ કર્મચારીઓની રજૂઆતને ધ્યાને રાખઈ ફેરફાર કરવામાં આવશે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ રોકાણ અને પેન્શન માટેની સારામાં સારી સ્કીમ છે. આ સ્કીમમાં અત્યાર સુધી 2 લાખ રૂપિયા સુધીની આવકવેરા કપાત મળે છે. આ કપાત ઈન્કમ ટેક્સની કલમ 80C અંતર્ગત 1.50 લાખ રૂપિયા અને 80CCD(1B) અંતર્ગત 50 હજાર રૂપિયાની છે. મહત્વપૂર્ણ છે કે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ જ 2 લાખ રૂપિયા સુધીની કપાત ઉપલબ્ધ છે. ખરેખર, સરકાર NPSને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની જૂની પેન્શન (OPS)ની માંગને લઈને NPS હેઠળ પેન્શન વધારવાની વાત કરી છે. કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ આપવામાં આવે. તો સરકારનું કહેવુ છે કે તે જૂની પેન્શનની માંગને પૂરી ન કરી શકે પરંતુ એ કર્મચારીઓને તેમના છેલ્લા પગારની 50 ટકા રકમ પેન્શન તરીકે આપી શકે છે, જેઓ NPSમાં નોંધણી કરશે અને તેમાં રોકાણ કરશે. સરકારનું કહેવું છે કે આ સાથે કર્મચારીઓને તેમના જૂના પેન્શન જેટલું જ પેન્શન મળશે.
શું છે NPS ?
આ કેન્દ્ર સરકારની યોજના છે. જેમા સરકારી તેમજ ખાનગી કંપનીઓના કર્મચારીઓ પણ આમાં રોકાણ કરી શકે છે. આ લાંબા ગાળાની યોજના છે. આમાં રોકાણ કરીને તમે મોટું ફંડ તૈયાર શકો છો. સાથે જ રિટાયરમેન્ટ પછી પેન્શન પણ મળે છે. 18 વર્ષથી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. આમાં વ્યક્તિએ એક નિશ્ચિત સમય માટે રોકાણ કરવાનું હોય છે. તમે કોઈપણ બેંકમાં જઈને આ સ્કીમ સંબંધિત માહિતી મેળવી શકો છો. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ npstrust.org.in અથવા પોસ્ટ ઓફિસ વેબસાઇટ indiapost.gov.in પર જાઓ.
કેટલું મળશે પેન્શન ?
આ યોજનામાં જેટલી રકમ જમા થાય છે, એ તમામ રકમ એકસાથે નથી મળતી. કુલ ફંડમાંથી, તમને ઓછામાં ઓછા 40 ટકા ફન્ડની એન્યુટી મળે છે. એન્યુટી(વાર્ષિકી)નો મતલબ એ છે કે આ રકમમાંથી જ 60 વર્ષની ઉમર બાદ પેન્શન શરૂ થશે. ધારો કે તમે 60 વર્ષની ઉંમર સુધીમાં રૂ. 1 કરોડનું ભંડોળ બનાવી લો છો. આવી સ્થિતિમાં, તમને એકસાથે 60 લાખ રૂપિયા મળશે અને 40 લાખ રૂપિયામાંથી તમને દર મહિને પેન્શન આપવામાં આવશે. એન્યુટીમાં જમા રકમ પર પણ વ્યાજ આપવામાં આવે છે.
કેટલું ફંડ એકઠું થશે ?
આ સ્કીમમાં દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ધારો કે તમે હાલમાં 25 વર્ષના છો. આવી સ્થિતિમાં તમારે તેમાં 35 વર્ષ સુધી રોકાણ કરવું પડશે, કારણ કે ત્યાં સુધીમાં તમારી ઉંમર 60 વર્ષની થઈ જશે. આ 35 વર્ષમાં તમે 8,40,000 રૂપિયાનું રોકાણ કરશો. હવે ધારો કે તેમાં વાર્ષિક 10 ટકા વ્યાજ મળે છે. તો વ્યાજ સાથે તમને રૂ. 68,16,554 જમા થશે. આ રીતે, 35 વર્ષમાં તમે કુલ 76,56,554 રૂપિયાનું ફંડ બનાવી લેશો. આમાં તમને 60 ટકા રકમ એટલે કે 30,62,622 રૂપિયા મળશે અને બાકીની રકમથી પેન્શન શરૂ થશે. ધારો કે તમને વાર્ષિકી (એન્યુટી) પર 6 ટકા વ્યાજ મળે છે, તો તે મુજબ તમને દર મહિને 15,313 રૂપિયાનું પેન્શન મળતુ રહેશે.
શું છે OPS ?
ઓલ્ડ પેન્શન સ્કીમમાં કર્મચારીને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી મળે છે. તેમા કર્મચારીઓના કોઈ પૈસા કપાતા નથી. જો કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેની પત્નીને પેન્શનનો લાભ મળે છે. દર મહિને લાસ્ટ સેલરીનું 50 ટકા રકમનું પેન્શન કર્મચારીને મળે છે. આ સ્કીમ અંતર્ગત કર્મચારીના 80 વર્ષ બાદ પેન્શન વધવાનો નિયમ છે.