અમેરિકાના વિઝા લેવામાં અત્યારે સ્ટુડન્ટને ઘણી રાહત થઈ ગઈ છે, પરંતુ બિઝનેસમેન અને વિઝિટરોનું કામ મુશ્કેલ બની ગયું છે. તેમના વિઝા રિજેક્ટ થાય અથવા વિઝાની એપોઈન્ટમેન્ટ ન મળે તેવી શક્યતા વધી ગઈ છે. જયેશ પટેલ નામના એક સ્ટુડન્ટે અમેરિકામાં પાંચ યુનિવર્સિટીઓમાં એડમિશન મળી ગયું હતું, પરંતુ અમેરિકામાં ભણવાનું તેનું સપનું તૂટી જાય તેમ હતું. કારણ કે ભૂતકાળમાં બે વખત તેની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. આ વખતે સદનસીબે તેને ટાઈમસર વિઝા સ્લોટ મળી ગયા અને તેનું કામ થઈ ગયું. જયેશ કહે છે કે હું છેલ્લા બે વર્ષથી મહેનત કરતો હતો, અંતે મને ચોથા એટેમ્પમાં અમેરિકાના વિઝા મળી ગયા.
બીજી તરફ અમદાવાદની એક ઈન્સ્ટિટ્યૂટના 46 સ્ટુડન્ટ હતાશ થઈ ગયા છે અને ચિંતિત છે. ગયા નવેમ્બરમાં તેમણે વિઝિટર વિઝા ફી તરીકે 8 લાખ રૂપિયા ચૂકવી દીધા છે, પરંતુ હજુ સુધી એપોઈન્ટમેન્ટ નથી મળી. આ ગ્રૂપ એક સ્ટડી ટુર માટે અમેરિકામાં નાસાની મુલાકાતે જવાનું હતું. બધાએ ફી પણ ભરી દીધી છે છતાં એમ્બેસી તરફથી કામગીરી આગળ નથી વધી જેના કારણે વિઝા એપોઈન્ટમેન્ટ નથી મળી રહ્યા. કેમ્પસના કોઓર્ડિનેટર કહે છે કે અમે રિફંડ મેળવવા અથવા પ્રાયોરિટી સ્લોટ માટે પ્રયાસ કરીએ છીએ પરંતુ તેમાંય સફળતા નથી મળી, તેના કારણે એક વિચિત્ર ટ્રેન્ડ જોવા મળે છે. જે સ્ટુડન્ટ અમેરિકા ભણવા જવા માગે છે તેમને વિઝા એપોઈન્ટમેન્ટ મળી જાય છે પરંતુ વિઝિટર અને બિઝનેસમેનને અમેરિકા જવું હોય તો વિઝા નથી મળતા એવું વિઝા એક્સપર્ટ્સનું કહેવું છે.