ઓસ્ટ્રેલિયાએ માઈગ્રન્ટ્સની સંખ્યા પર ગમે તેમ કરીને કન્ટ્રોલ કરવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગે છે. ભલે તેના કારણે યુનિવર્સિટીઓની આવક ઘટી જાય. ઓસ્ટ્રેલિયાએ વિદેશી સ્ટુડન્ટ્સ માટે વિઝા ફી સીધી ડબલ કરી નાખી છે. માઈગ્રન્ટની વસતી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઓસ્ટ્રેલિયામાં હાઉસિંગની અછત પેદા થતી જાય છે અને આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળ્યો એટલે સ્ટુડન્ટ વિઝા ફી ડબલ કરી નાખી. આ ઉપરાંત બીજા કેટલાક ફેરફાર કર્યા છે જેની ભારતીયોને ખાસ અસર થવાની છે. પહેલી જુલાઈથી ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વિઝા ફી 710 ડોલરના બદલે 1600 ઓસ્ટ્રેલિયન ડોલર કરવામાં આવી છે. એટલે કે લગભગ 1068 અમેરિકન ડોલર ફી થઈ ગઈ છે. આ ઉપરાંત વિઝિટર વિઝા હોલ્ડરો અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા હોય તેવા સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં રહીને સ્ટુડન્ટ વિઝા માટે અરજી નહીં કરી શકે.
ઓસ્ટ્રેલિયાના હોમ અફેર્સ મિનિસ્ટર ક્લેર ઓનિલે જણાવ્યું કે આ ફેરફારો આજથી જ અમલમાં આવી ગયા છે અને તેનાથી આપણી ઈન્ટરનેશનલ એજ્યુકેશન સિસ્ટમ જળવાઈ રહેશે. તેનાથી એવી માઈગ્રેશન સિસ્ટમ રચાશે જે વધુ યોગ્ય હશે, સંખ્યા ઓછી હશે અને વધુ ફાયદાકારક હશે. આ વધારાના કારણે હવે ભારતના સ્ટુડન્ટ માટે ઓસ્ટ્રેલિયા ઓછું આકર્ષક બની જશે કારણ કે તેનો ખર્ચ ઘણો વધી જવાનો છે. અમેરિકા અને કેનેડા કરતા પણ ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વિઝા ફી વધુ છે. અમેરિકા માત્ર 185 ડોલર ફી વસુલે છે જ્યારે કેનેડાની ફી 110 ડોલર છે. ઓસ્ટ્રેલિયામાં વિઝાના રુલ્સમાં જે છીંડા હતા તે બધા બંધ કરવામાં આવશે. અત્યાર સુધી આ નિયમોનો ફાયદો લઈને ઘણા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં પોતાનો સ્ટે લંબાવી નાખતા હતા. ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટની સંખ્યામાં 30 ટકા વધારો થયો હતો અને 2022-23માં કુલ દોઢ લાખથી વધારે સ્ટુડન્ટ હતા.