Aapnu Gujarat
બિઝનેસ

હ્યુન્ડાઈ ઈન્ડિયા 25,000 કરોડનો દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં

સાઉથ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈનું ભારતીય એકમ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા 25 હજાર કરોડનો આઈપીઓ લાવવા માગે છે. ભારતીય બજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ હશે જેના માટે 15 જૂન, શનિવારે કંપનીએ સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કરી દીધું છે.

આઈપીઓની વિગત પ્રમાણે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા તેનો 17.5% હિસ્સો વેચીને બજારમાંથી અઢીથી ત્રણ અબજ ડોલર એટલે કે આશરે રૂ. 25,000 કરોડ એકત્ર કરવા માગે છે. કંપની આ IPOમાં તેના કુલ 812 મિલિયન (81.2 કરોડ) શેરમાંથી 142 મિલિયન એટલે કે 14.2 કરોડ શેર વેચી રહી છે. કંપની દ્વારા કોઈ નવા શેર જારી કરવામાં નહીં આવે. હ્યુન્ડાઈ ઈન્ડિયાની પેરન્ટ કંપની હ્યુન્ડાઈ આ ઑફર ફૉર સેલ (OFS) દ્વારા કંપનીમાં તેના હિસ્સાનો અમુક હિસ્સો છૂટક અને અન્ય રોકાણકારોને વેચી રહી છે.

કંપનીનો IPO દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવી શકે છે. હ્યુન્ડાઈએ આ IPO માટે ઈન્વેસ્ટમેન્ટ બેંકો JP મોર્ગન, મોર્ગન સ્ટેનલી, કોટક મહિન્દ્રા બેંક, સિટી અને HSBCને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. ભારતમાં કોઈ ઓટો કંપનીનો આઈપીઓ આવ્યો હોય તેવી 20 વર્ષ પછી ઘટના બનવાનની છે. અગાઉ મારુતિ સુઝુકીનો IPO 2003માં આવ્યો હતો. મારુતિ સુઝુકી ઈન્ડિયા પછી હ્યુન્ડાઈ દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. ભારતમાં અત્યાર સુધીમાં જે આઈપીઓ આવ્યા તેમાં એલઆઈસીનો પબ્લિક ઈશ્યૂ સૌથી મોટો હતો. 2022માં સરકારે LICમાં તેનો 3.5% હિસ્સો વેચ્યો હતો. આ માટે લગભગ 21 હજાર કરોડ રૂપિયાનો IPO લાવવામાં આવ્યો હતો. હવે હ્યુન્ડાઈ ઈન્ડિયા 25,000 કરોડનો આઈપીઓ લાવશે જે સાઈઝની રીતે બધા કરતાં મોટો હશે.

ભારતમાં હાલમાં મારુતિ સુઝુકી ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ જેવી ફોર વ્હીલર કંપનીઓ પણ લિસ્ટેડ છે. મારુતિ પછી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દેશની બીજી સૌથી મોટી કાર કંપની છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ 1996માં ભારતમાં પોતાની કામગીરી શરૂ કરી હતી અને હાલમાં તે અલગ અલગ સેગમેન્ટમાં 13 મોડેલ વેચે છે. તેના કુલ વેચાણમાં છેલ્લા એક વર્ષમાં સાત ટકાનો વધારો થયો છે.

ભારતમાં અન્ય મોટા આઈપીઓની વાત કરવામાં આવે તો એલઆઈસીનો આઈપીઓ 2.45 અબજ ડોલરનો હતો જ્યારે જુલાઈ 2021માં પેટીએમનો પબ્લિક ઈશ્યૂ આવ્યો હતો જેમાં 2.19 અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા હતા. સરકારી કંપની કોલ ઈન્ડિયાનો પબ્લિક ઈશ્યૂ ઓગસ્ટ 2010માં આવ્યો હતે જેમાં બજારમાંથી 1.82 અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા હતા. જ્યારે જનરલ ઈન્શ્યોરન્સ કોર્પ. ઓફ ઈન્ડિયા દ્વારા ઓગસ્ટ 2017માં 1.35 અબજ ડોલરનો આઈપીઓ આવ્યો હતો.

Related posts

ઇન્કમ સપોર્ટ સ્કીમથી ૧.૫ ટ્રિલિયનનો બોજ પડશે

aapnugujarat

FPI દ્વારા મૂડી માર્કેટમાંથી ૧૪,૫૦૦ કરોડ ખેંચાયા

aapnugujarat

Budget 2024 : મધ્યમ વર્ગ માટે રાહત અને રોજગારી પર રહેશે ભાર

aapnugujarat
UA-96247877-1