નરેન્દ્ર મોદી આજે ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લે તે પહેલા NDAના ઘટકદળ NCPએ સરકારમાં પોતાની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. NCPને મોદી 3.0માં રાજ્યકક્ષાનો સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો હોવાની વાત શપથગ્રહણ વિધિ થાય તે પહેલા જ સામે આવી હતી.
UPA સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા પ્રફુલ પટેલને NDA સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પદની ઓફર કરાતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપીના ચીફ અજિત પવારે જણાવ્યું હતું કે પ્રફુલ પટેલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, અને તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લે તે યોગ્ય નથી. અજિત પવારે એમ પણ કહ્યું હતું કે કેબિનેટ મંત્રીપદ માટે તેમનો પક્ષ થોડો સમય રાહ જોવા પણ તૈયાર છે.
એનસીપીના નેતાઓ શપથગ્રહણ સમારંભમાં પણ હાજર રહ્યા હતા. અજિત પવારે જણાવ્યું હતું કે તેમના પક્ષ પાસે આજે રાજ્યસભામાં એક અને લોકસભામાં એક સાંસદ છે, પરંતુ આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યસભામાં તેમના કુલ ત્રણ સાંસદો હશે. પોતાના પક્ષ પાસે ચાર સાંસદોનું સંખ્યાબળ થવાની સ્થિતિમાં કેબિનેટમા એનસીપીનું સ્થાન હોવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી મોદી 3.0માં NDAના સાથીપક્ષોની ભૂમિકા ખૂબ જ મહત્વની બની ગઈ છે. નવી સરકારમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ સૌથી મોટા સાથી પક્ષો છે જેમને સત્તામાં કેટલી હિસ્સેદારી મળે છે તેના પર પણ નજર રહેશે.