લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થાય તેના એક દિવસ પહેલા જ અમૂલે દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ ભાવવધારો 03 જૂનથી લાગુ પડી જશે. અમૂલનું સંચાલન કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના જણાવ્યા અનુસાર, આખા દેશમાં આ ભાવવધારો લાગુ પડશે, જેમાં 500 મિલીના પાઉચ માટે હવે એક રૂપિયો જ્યારે 1 લિટરના પાઉચ માટે બે રૂપિયા વધુ ચૂકવવા પડશે.
અમૂલ કાઉ મિલ્કના એક લિટરના ભાવમાં એક રૂપિયાનો વધારો થયો છે, મતલબ કે સોમવારથી કાઉ મિલ્કનું લિટરનું પાઉચ 57 રૂપિયાનું મળશે પરંતુ તેના 500 મિલીના પાઉચ માટે 29 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે બફેલો મિલ્કના લિટરના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે, તેનો નવો ભાવ 70 રૂપિયાથી વધીને 73 રૂપિયા થઈ ગયો છે. અમૂલે ટી સ્પેશિયલનો ભાવ પણ લિટરે બે રૂપિયા વધારીને હવે 64 રૂપિયા કરી નાખ્યો છે.
ગોલ્ડ ઉપરાંત તાજા અને શક્તિના ભાવમાં પણ વધારો થયો છે, જે અનુસાર અમૂલ તાજાનું અડધો લિટરનું પાઉચ 27 રૂપિયા જ્યારે શક્તિનું અડધો લિટરનું પાઉચ 30 રૂપિયામાં મળશે. અમૂલ દ્વારા દર વર્ષે લગભગ ઉનાળામાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે કદાચ લોકસભા ચૂંટણીને કારણે ભાવધારો ટાળવામાં આવ્યો હતો ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ તેની જાહેરાત કરવામાં આવી હતી.
દૂધની સાથે અમૂલે દહીં અને છાશના ભાવ પણ વધાર્યા હોઈ શકે છે, પરંતુ તેની માહિતી હજુ સુધી નથી મળી શકી. ઉલ્લેખનીય છે કે, અમૂલ છાશનું એક લિટરનું પાઉચ એક સમયે 20 રૂપિયામાં આવતું હતું પરંતુ આજે 20 રૂપિયાના તે જ પાઉચમાં 720 મિલી છાશ આવે છે.