ભારતીય રિઝર્વ બેન્કે યુકેમાં સેંકડો ટન સોનું સંગ્રહ કરી રાખ્યું છે જેમાંથી 100 ટન સોનું તાજેતરમાં ભારત લાવવામાં આવ્યું છે. હવે આ સોનું ભારતમાં વોલ્ટમાં સુરક્ષિત રહેશે. આગામી મહિનાઓમાં પણ 100 ટનથી વધારે સોનું આ રીતે યુકેથી ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. 1991 પછી પહેલી વખત એવું બન્યું છે જ્યારે રિઝર્વ બેન્ક આટલા મોટા પ્રમાણમાં સોનાને ભારતમાં ખસેડી રહી છે. 1991માં આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે ભારતે વિદેશમાં સોનું ગીરવે મૂકીને ફંડ લેવું પડ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે લોજિસ્ટિક્સના કારણોથી અને સ્ટોરેજને ડાઈવર્સિફાઈ કરવા માટે અત્યારે સોનાને યુકેથી ભારત ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ડેટા પ્રમાણે માર્ચના અંતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે 822 ટન સોનું હતું. તેમાંથી 413.8 ટન સોનું વિદેશમાં રાખવામાં આવેલું છે. તાજેતરમાં ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કોએ બજારમાંથી સોનું ખરીદ્યું છે અને તેમાં આરબીઆઈ પણ સામેલ છે. સોનાનો ભાવ સતત વધતો હોવા છતાં આરબીઆઈ દ્વારા ગોલ્ડની ખરીદી કરવામાં આવી છે. છેલ્લા એક ફાઈનાન્શિયલ વર્ષમાં આરબીઆઈએ 27.5 ટન સોનું ખરીદ્યું છે.
આખી દુનિયામાં ઘણી સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદ્યા પછી પોતાના દેશમાં તેને ટ્રાન્સફર નથી કરતી, પરંતુ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે પોતાનું સોનું સ્ટોર કરાવી રાખે છે. આરબીઆઈ પણ આવું જ કરે છે. ભારત આઝાદ થયું તે અગાઉથી ભારતનું કેટલુંક સોનું લંડનમાં પડ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્કે કેટલાક વર્ષ અગાઉ સોનાની ખરીદી શરૂ કરી હતી અને આ ગોલ્ડ ક્યાં સ્ટોર કરી રાખવું તેની પણ સમીક્ષા કરી હતી. વિદેશમાં ભારતના સોનાનો જથ્થો વધતો જતો હતો તેથી તેમાંથી કેટલુંક સોનું ભારત લાવવાનો નિર્ણય લેવાયો હતો તેમ આરબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું.