ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. ૨૦૨૪ માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગ્લોબલ ફાયરપાવરની યાદીમાં સૌથી મજબૂત સેનાઓની વિગતો આપવામાં આવી છે. આ યાદીમાં અમેરિકા ટોચે રહ્યું હતું. જ્યારે ખાસ વાત એ છે કે ટોપ ૧૦ દેશોમાં પાકિસ્તાન આ યાદીમાં ઠેઠ તળીયે હોય તેમ ૯મા સ્થાને રહ્યું છે. બીજી બાજુ ઓછી શક્તિશાળી સેના ધરાવતા દેશોમાં ભૂટાનનું નામ પ્રથમ સ્થાને છે. ગ્લોબલ ફાયરપાવર મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ ૨૦૨૪ની યાદીમાં અમેરિકાનું નામ ટોચ પર છે. તેના પછી હાલમાં યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાનું નામ બીજા સ્થાને છે. ચીનને વિશ્વની ત્રીજી સૌથી મજબૂત સેનાનો ખિતાબ મળ્યો છે. તે જ સમયે, યાદીમાં આ ત્રણ દેશો પછી ભારતનું નામ છે. દક્ષિણ કોરિયા પાંચમા સ્થાને છે. આ સિવાય બ્રિટન છઠ્ઠા સ્થાને છે. જાપાન ૭મા, તુર્કી ૮મા, પાકિસ્તાન ૯મા અને ઈટાલી ૧૦મા ક્રમે છે.
આ યાદીમાં સૌથી ઓછી સૈન્ય તાકાત ધરાવતા દેશોને પણ સામેલ કરવામાં આવ્યા છે. ટોચ પર ભૂટાન પછી, મોલ્ડોવા બીજા સ્થાને અને સુરીનામ ત્રીજા સ્થાને છે. ત્યારપછી સોમાલિયા, બેનિન, લાઇબેરિયા, બેલીઝ, સિએરા લિયોન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને આઇસલેન્ડ ૧૦માં નંબરે છે. ગ્લોબલ ફાયર પાવરે ૧૪૫ દેશોની સેનાઓ વિશે માહિતી એકત્રિત કરી હતી. સૈનિકોની સંખ્યા, સૈન્ય સાધનો, આર્થિક સ્થિરતા અને સંસાધનો સહિત ૬૦ ક્ષેત્રોના આધારે તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તમામ પરિબળને ધ્યાનમાં રાખીને પાવર ઇન્ડેક્સ સ્કોર બનાવે છે.