પહેલી ઓક્ટોબર 2023થી TCS એટલે કે ટેક્સ કલેક્શન એટ સોર્સના નવા રેટ અમલમાં આવી રહ્યા છે. તેના કારણે લોકોએ વિદેશમાં જે કોઈ ખર્ચ થાય તેના પર જંગી ટેક્સ ચુકવવાની તૈયારી રાખવી પડશે. વિદેશ પ્રવાસ, ફોરેન એજ્યુકેશન, વિદેશમાં ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ, અન્ય પેમેન્ટ વગેરે એક લિમિટથી વધારે હશે તો 20 ટકા સુધી TCS ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
વિદેશમાં તમે મૂડી રોકાણ કરો અથવા વિદેશી શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તેના પર પણ TCS લાગશે. આ માટે વાર્ષિક લિમિટ સાત લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેનાથી ઉપર જે પેમેન્ટ થાય તે ટીસીએસને આધિન રહેશે.
એજ્યુકેશન માટે તમે એક વર્ષમાં 7 લાખ રૂપિયા સુધી બહાર મોકલો તો તેના પર કોઈ TCS નથી. પરંતુ કોઈ નાણાકીય સંસ્થામાંથી લોન લઈને એક વર્ષની અંદર એજ્યુકેશન માટે 7 લાખ રૂપિયાથી વધારે રકમ વિદેશ મોકલવામાં આવે તો તેના પર 0.5 ટકા TCS લાગશે. એજ્યુકેશન માટે 7 લાખથી વધારે રકમ રેમિટ કરવામાં આવે અને તે લોન લીધેલી નહીં હોય તો 5 ટકા ટીસીએસ લાગશે.