Aapnu Gujarat
ગુજરાત

કમોસમી વરસાદના કારણે ઘટ્યો કેસર કેરીનો ભાવ

અમદાવાદ અને ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે, કેરીના ભાવ છેલ્લા એક દશકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ગુજરાતીઓની સૌથી પ્રિય કેસર કેરીના ભાવમાં અણધાર્યો ઘટાડો થયો છે. સામાન્ય રીતે 10 કિલોનો બોક્સનો ભાવ 450થી 700 રૂપિયાની વચ્ચે રહેતો હોય છે પરંતુ સ્થાનિક અખબાર અમદાવાદ મિરરના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં કેસર કેરીનું આ જ બોક્સ 375 રૂપિયા જેટલા ઓછા ભાવમાં પણ મળી શકે છે. કેરીના ખેડૂતો, હોલસેલરો અને વેપારીનો મને આ અચાનક ઘટાડામાં હવામાને મોટો ભાગ ભજવ્યો છે. અમદાવાદ હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને હોલસેલના વેપારી શ્યામ રોહરાએ જણાવ્યું હતું કે ‘ગીર સોમનાથ, કચ્છ અને અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા કેસર કેરીની ખેતી પર પ્રતિકૂળ અસર પડી છે’.

રોહરાએ વધુમાં જણાવ્યું હતું કે ‘ફળ આવવામાં વિલંબ થતાં ફળોનો પુરવઠો આપવામાં પણ વિલંબ થયો હતો. ઉપરાંત વરસાદ પડતાં કેસર કેરી તાબડતોબ બજારમાં વેચવાની ખેડૂતોને ફરજ પડી છે’. રોહરાએ મંગળવારે 10 કિલોની કેસર કેરીના બોક્સને 375 રૂપિયાની કિંમતે વેચીને ભાવ ઘટાડામાં ફાળો આપ્યો છે. અન્ય વેપારી પણ કેસરી કેરીનું બોક્સ 500થી 700 રૂપિયામાં વેચવાના ટ્રેન્ડમાં જોડાયા છે.

તાલાલા-ગીરના ખેડૂત અરવિંગ સહધે પ્રહલાદનગરમાં એએમસીના ખુલ્લા પાર્કિંગ વિસ્તારમાં જ્યાં કેસર મેન્ગો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ત્યાં પોતાનો સ્ટોલ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ‘આશરે 30-40 ટકા કેસર કેરીઓ હજુ પણ તાલાલામાં આંબા પર લટકી રહી છે’. સહધે ખુલાસો કર્યો હતો કે, કમોસમી વરસાદ ખેડૂતોને કેસરના સ્ટોકને શક્ય એટલી ઝડપથી બજારમાં લઈ જવા દબાણ કરી રહ્યું છે. પરિણામરૂપે કેસરનો ભાવ છેલ્લા 10 વર્ષની સરખામણીમાં ઘટ્યો છે અને હાલ પ્રતિ બોક્સ 500થી 700 રૂપિયાના ભાવે વેચાય રહ્યું છે.

એક મહિના પહેલા કેસર કેરીનો 10 કિલોનો ભાવ 1200થી 1300 રૂપિયા હતો, જે કેરીની સીઝનની શરૂઆતમાં ગત વર્ષ કરતાં પણ ઓછો હોવાનું કહેવાતું હતું. રિપોર્ટ પ્રમાણે, તાલાલા વિસ્તારમાંથી કેસર કેરીના લગભગ 70 હજાર જેટલા બોક્સ દરરોજ નીકળી રહ્યા છે, જેમાંથી આશરે 20 હજાર બોક્સ અમદાવાદના કાલુપુર અને નરોડા નામના હોલસેલ ફ્રૂટ માર્કેટમાં જાય છે. આ દરમિયાન કેરીના રસિકો એ વાતથી ખુશ છે કે કચ્છની કેસર, જે તેની અનોખી મીઠાશ માટે જાણીતી છે, તે અમદાવાદમાં ધીમે-ધીમે મળવા લાગી છે.

ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં કેસર અને હાફૂસ કેરી ખાવાનું વધારે પસંદ કરે છે અને તેથી ખેડૂતો પણ તે જ ઉગાડે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષથી ખેડૂતો પણ કેટલાક પ્રયોગો કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં રહેતા સુમીત શાહનવાઝની જ વાત કરીએ તો તેમણે પોતાના ખેતરમાં માત્ર કેસર અને હાફૂસ જ નહીં પરંતુ જાપાન, થાઈલેન્ડ, ઈઝરાયલ તેમજ અમેરિકામાં ઉગતી જાતોનું પણ સફળતાપૂર્વક વાવેતર કર્યું છે. આ કેરીઓનો માત્ર રંગ કે આકાર જ નહીં પરંતુ સ્વાદ પણ અલગ છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે, વિદેશમાં થતી કેરીમાં સીસીએસનું (ખાંડ) પ્રમાણ ઓછું હોય છે તેથી ડાયાબિટિસિના દર્દીઓ માટે સારું છે.

Related posts

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

editor

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ૧૫ ઇલેક્ટ્રિક બસ દોડાવાશેઃ આર.સી.ફળદુ

aapnugujarat

लगातार तीसरे दिन शहर में बारिश का दौर जारी रहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1