Aapnu Gujarat
શિક્ષણ

ભણવાની સાથે કમાવવાની ગણતરી સાથે યુકે જતાં લોકોના ગણિત ખોરવાશે

ભણવાની સાથે કમાવવાની ગણતરી સાથે સ્ટૂડન્ટ વિઝા પર યુકે જતાં ભારતીયોને મોટો આંચકો લાગે તેવા સમાચાર આવ્યા છે. યુકે દ્વારા સ્ટૂડન્ટ્સના પતિ/પત્ની કે બાળકોને અપાતા ડિપેન્ડન્ટ વિઝા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. મતલબ કે હવેથી ગ્રેજ્યુએશન કે પછી નોન-રિસર્ચ પ્રોગ્રામ માટે યુકે જતાં સ્ટૂડન્ટ્સ ત્યાં પોતાના પતિ/પત્ની, બાળકો કે પછી માતા-પિતાને નહીં બોલાવી શકે. યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રાવર્મને દેશની સંસદમાં રજૂ કરેલા લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે હવે માત્ર રિસર્ચ પ્રોગ્રામ્સમાં આવતા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટૂડન્ટ્સ જ ડિપેન્ડન્ટ વિઝા પર પોતાના ફેમિલી મેમ્બર્સને બોલાવી શકશે. અત્યારસુધી ઘણા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ યુકેની કોલેજ-યુનિવર્સિટીમાં એડમિશન લઈ પોતાના પતિ કે પત્નીને પણ ત્યાં બોલાવતા હતા. ડિપેન્ડન્ટ વિઝા પર આવતા લોકેને ફુલ ટાઈમ જોબ કરવાની પણ અનુમતિ હતી. જોકે, હવે આ બધું બંધ કરવાની યુકેએ તૈયારી કરી લીધી છે, જેની સૌથી વધુ અસર ભારતીય સ્ટૂડન્ટ્સને થશે.

2022માં 1.36 લાખ ડિપેન્ડન્ટ વિઝા ઈશ્યૂ થયાં

2022માં યુકેમાં સ્ટૂડન્ટ વિઝા પર ગયેલા લોકોના ડિપેન્ડન્ટ તરીકે 1.36 લાખ લોકોને વિઝા ઈશ્યૂ કરાયા હતા. 2019માં આ આંકડો માત્ર 19 હજારનો હતો, યુકે આવતા સ્ટૂડન્ટ્સ મોટી સંખ્યામાં પોતાના ડિપેન્ડન્ટ્સને પણ બોલાવી રહ્યા હોવાનું બહાર આવતા યુકેની સરકારે તેના પર સખ્તી વધારવા માટે તૈયારી શરૂ કરી હતી. જેના ભાગરૂપે હવે માત્ર રિસર્ચ પ્રોગ્રામ્સમાં આવતા સ્ટૂડન્ટ્સને જ ફેમિલી મેમ્બર્સને લાવવાની છૂટ અપાશે, જ્યારે બાકીના લોકો હવે ફેમિલી મેમ્બર માટે ડિપેન્ડન્ટ વિઝા નહીં માગી શકે.

યુકે જતાં ઘણા ગુજરાતી સ્ટૂડન્ટ્સ પોતે ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરતા, જ્યારે તેમના ડિપેન્ડન્ટને ત્યાં ફુલ ટાઈમ જોબ કરવા મળતી હતી. જેના કારણે આ સ્ટૂડન્ટ્સ ભણવા અને રહેવાનો ખર્ચો કાઢવાની સાથે થોડી બચત પણ કરી શકતા હતા. જોકે, આ નિર્ણયથી ભણવાની સાથે જોબ કરી નાની-મોટી કમાણી કરવાની ગણતરી સાથે યુકે જતાં ગુજરાતી સ્ટૂડન્ટ્સના ગણિત ખોરવાઈ જાય તેવી શક્યતા છે.

બ્રિટિશ સરકાર ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માગે છે

યુકે ચાલુ વર્ષમાં સાત લાખ લોકોને સ્ટૂડન્ટ વિઝા આપશે તેવી ગણતરી છે. 2019માં યુકેએ વિદેશી સ્ટૂડન્ટ્સને ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો થયા બાદ યુકેમાં બે વર્ષ રહીને જોબ કરવા માટે છૂટ આપી હતી. જેના કારણે સ્ટૂડન્ટ્સના ડિપેન્ડન્ટને અપાતા વિઝાની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. સ્ટૂડન્ટ વિઝાની પોલિસીમાં જે ફેરફારનો પ્રસ્તાવ છે તે જાન્યુઆરી 2024થી અમલમાં આવે તેવી શક્યતા છે.

બ્રિટન માઈગ્રેશનનું પ્રમાણ ઘટાડવા માગે છે, અને પીએમ રિશી સુનક પણ તેની પુષ્ટિ કરી ચૂક્યા છે, પરંતુ તેની હજુ કોઈ નક્કર જાહેરાત કરવામાં નથી આવી. હાલ સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી માઈગ્રેશનના આંકડાને વાર્ષિક 1 લાખના સ્તર પર લાવવામાં આવે છે, પરંતુ હજુ સુધી તે પોતાનો ટાર્ગેટ પૂરો નથી કરી શકી. સ્ટૂડન્ટના ડિપેન્ડન્ટ તરીકે યુકે જતાં વ્યક્તિને 490 પાઉન્ડ એટલે કે લગભગ 50 હજાર રૂપિયા જેટલી વિઝા ફી ઉપરાંત આટલો જ ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ પણ ભરવો પડે છે.

અમદાવાદથી યુકે ગયેલા એક સ્ટૂડન્ટે શું કહ્યું?

અમદાવાદથી હજુ ગત અઠવાડિયે જ સ્ટૂડન્ટ વિઝા પર યુકે ગયેલા એક સ્ટૂડન્ટે IamGujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેની ગણતરી આગામી સમયમાં તેની પત્નીને પણ ત્યાં બોલાવવાની હતી. લંડન જેવા શહેરમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે સામાન્ય ઘરના કોઈ સ્ટૂડન્ટ માટે ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરીને રહેવા-જમાવાના ખર્ચા કાઢવા ઉપરાંત કોલેજની ફી ભરવું લગભગ અશક્ય છે. તેવામાં જો ડિપેન્ડન્ટ વિઝા તરીકે આવેલા ફેમિલી મેમ્બર જોબ કરીને આર્થિક ટેકો કરે તો સ્ટૂડન્ટનું ટેન્શન ઓછું થઈ જતું હોય છે.

પરંતુ નવા નિયમો હેઠળ જો સ્ટૂડન્ટ્સને ફેમિલી મેમ્બર્સને બોલાવતા અટકાવાશે તો તેમના માટે યુકેમાં રહેવું અઘરૂં પડી જશે. બ્રિટિશ સરકારના આંકડા અનુસાર, સ્ટૂડન્ટ વિઝા પર યુકે આવતા 40 ટકા લોકો અંડરગ્રેજ્યુએટ્સ હોય છે, જેમને પહેલાથી જ ફેમિલી મેમ્બર્સને બોલાવવાની છૂટ નથી. જે લોકો પોસ્ટગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં ભણવા આવે છે તેમાંથી માંડ 20 ટકા જ પીએચડીનો અભ્યાસ કરતા હોય છે, અને આવા લોકોને જ પરિવારના સભ્યોને બોલાવવાની મંજૂરી અપાશે.

Related posts

સીએ વિદ્યાર્થીને રોજગારીની તકો : અનેક કાર્યક્રમ યોજાશે

aapnugujarat

પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજીત ૧૨માં તેજસ્વી તારલા સત્કાર સમારંભ યોજાયો

aapnugujarat

સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા પેર લીક પ્રકરણ : જવાબ આપવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1