શુક્રવારથી અદાણી જૂથના શેરોમાં તીવ્ર વધારો થયો તેના કારણે સરકારી માલિકીની વીમા કંપની એલઆઈસીને કદાચ સૌથી વધારે રાહત થઈ હશે. અદાણીના શેરોમાં જંગી રોકાણ કરવાના કારણે એલઆઈસીની ભારે ટીકા થઈ હતી. જોકે, હવે તેણે ઘણું નુકસાન ભરપાઈ કરી લીધું છે. છતાં હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ અગાઉ LIC પાસે અદાણીના શેરોની જે વેલ્યૂ હતી તેમાં નુકસાન જ ચાલે છે. જાન્યુઆરીથી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન એલઆઈસીએ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસમાં પોતાના શેરહોલ્ડિંગમાં વધારો કર્યો હતો. અદાણી જૂથની કંપનીઓમાં એલઆઈસી એક મહત્ત્વની સંસ્થાકીય રોકાણકાર છે અને છેલ્લા બે મહિનામાં તેના સ્ટેકની વેલ્યૂમાં મોટો વધારો થયો છે.
અદાણી જૂથના શેરોમાં હાલમાં LICના હોલ્ડિંગની વેલ્યૂ લગભગ 45,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. ચાલુ વર્ષના એપ્રિલથી અત્યાર સુધીમાં તેમાં લગભગ 5500 કરોડનો વધારો થયો છે. 31 માર્ચ 2023ના આંકડા પ્રમાણે એલઆઈસી પાસે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝમાં 9.12 ટકા હિસ્સો હતો જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 4.26 ટકા હિસ્સો, એસીસીમાં 6.41 ટકા, અંબુજા સિમેન્ટ્સમાં 6.3 ટકા, અદાણી ટોટલ ગેસમાં 6.02 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.68 ટકા અને અદાણી ગ્રીન એનર્જીમાં 1.36 ટકા હિસ્સો હતો.
24 મેની સ્થિતિ પ્રમાણે અદાણીની કંપનીઓમાં LICનો કુલ હિસ્સો લગભગ 44,600 કરોડની વેલ્યૂ ધરાવે છે જ્યારે માર્ચના અંતમાં તેની કિંમત 39,200 કરોડ હતી. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણી (Gautam Adani)ના જૂથ સામે શેરના ભાવમાં ચેડા કરવાનો આરોપ મુકાયો ત્યાર પછી તેના શેરના ભાવમાં તીવ્ર કડાકો આવ્યો છે.
તાજેતરમાં અદાણી જૂથ વિશે કેટલાક પોઝિટિવ સમાચાર આવ્યા જેના કારણે ઘણી બધી લોસ ભરપાઈ થઈ ગઈ છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટની પેનલે અદાણી સામેના આરોપોમાં ક્લીન ચિટ આપી તેનાથી સ્ટોક પર પોઝિટિવ અસર થઈ છે અને અદાણી એન્ટરપ્રાઈઝિસ જેવો શેર માત્ર ત્રણ દિવસમાં 39 ટકા સુધી વધી ગયો હતો.