Aapnu Gujarat
ગુજરાત

રીલ જોનારા વિદ્યાર્થીઓની એકાગ્રતા તેમજ ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટા઼ડો નોંધાયો

જો તમારા પરિવારમાં જેન ઝી (Gen Z) (8થી 23 વર્ષ) સભ્ય છે તો તમે જાણતા જ હશો તે તેમના માટે ટાઈમપાસ કરવાનું ફેવરિટ કામ મોબાઈલ સ્ક્રીન પર વળગી રહેવાનું છે. પરંતુ તમારે આ માટે ચિંતા કરવાની જરૂર નથી, આ એક નવી ગંભીર સમસ્યા છે, જે એમએસ યુનિવર્સિટીના સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે. સ્ટડીમાં ખુલાસો થયો છે કે, આ પેઢી દરરોજ લગભગ ત્રણ કલાક માત્ર ફ્રી વીડિયો-શેરિંગ એપ્સ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો જોવામાં વિતાવે છે. સ્ટડીમાં તેમ પણ જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓ 60 સેકન્ડની રીલ્સ અથવા 15 સેકન્ડની ક્લિપ્સ જોવા માટે સ્માર્ટફોન પર ટોટલ સ્ક્રીન સમયના પાંચ કલાકમાંથી 60 ટકા સ્પેન્ડ કરે છે. દરેક રીલ લગભગ 15 સેકન્ડની હોય છે, વિદ્યાર્થીઓ નિયમિત 1.5 કલાકથી 2 કલાકના સમયમાં આશરે 360થી 480 રીલ્સ જુએ છે. આ તમામ પ્લેટફોર્મ પર અમર્યાદિત સ્ક્રોલિંગ અને ઓટોપ્લે જેવા ફીચર્સના કારણે કન્ટેન્ટના ઉપયોગને સરળ બનાવે છે અને યૂઝર્સ લાંબા સમય સુધી તેમા વળગેલા રહે છે.

રીલ જોવામાં 2થી 3 કલાક વિતાવે છે જેન ઝી
આ વર્તન તેમની એકાગ્રતાને નુકસાન પહોંચાડે છે, તેમના ધ્યાનના સમયમાં ઘટાડો કરે છે તેમજ તેમની ઓવરઓલ હેલ્થને પણ નુકસાન પહોંચાડે છે, તેમ એક શિક્ષકે જણાવ્યું હતું, જેના માર્ગદર્શન હેઠળ Bscના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ MSUના 329 વિદ્યાર્થીઓ પર સ્ટડી કર્યું હતું. ‘આ પ્લેટફોર્મ યૂઝરના રસના આધારે કન્ટેન્ટને પર્સનલાઈઝ કરવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જે તેમને ક્યારેય ખતમ ન થતાં વીડિયોની સાયકલ સાથે જોડી દે છે’, તેમ પ્રોફેશનલ રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું, જેમણે ‘શોર્ટ વીડિયો એન્ડ સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ: એન ઈન્વેસ્ટિગેશન’ના ટાઈગલ હેઠળ સ્ટડી કર્યું હતું.

વીડિયો જોયા બાદ દોષભાવ અનુભવે છે વિદ્યાર્થીઓ
સૌથી નવાઈની વાત તો એ છે કે, 65 ટકા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી વીડિયો જોયા બાદ દોષભાવ અને ઉદાસીનતા અનુભવે છે. ‘દરેક વીડિયો મગજમાં ડોપામાઈન રિલીઝ કરે છે, જે વ્યક્તિને ડ્રગ જેવા એડિક્ટિવ બનાવે છે’, તેમ શ્રીવાસ્તવે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. આ એડિક્શન યુવાનોને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓથી ભાગવામાં મદદ કરે છે.
છોકરીઓની સરખામણીમાં છોકરીઓ વધુ વીડિયો જુએ છે
રસપ્રદ રીતે, 40 ટકા છોકરીઓની સરખામણીમાં 60 ટકા છોકરાઓ લાંબા સમય સુધી જુએ છે, જેનો સમયગાળો આશરે 2થી 3 કલાક હોય છે, જે શોર્ટ વીડિયોના વ્યસની થવામાં લિંગ-આધારિત તફાવત દર્શાવે છે. શુભમ સિંહ, ખુશાલી સૌમ્યા, મોહમ્મદ અંજુમ, શુભમ ભાવસાર અને અતુલ સહાનીએ કરેલા સર્વેમાં 55% પુરૂષ અને 45% મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ‘આ રિસર્ચ સૂચવે છે કે વધુ પડતા વપરાશથી નકારાત્મક લાગણીઓ ફરી વળે છે કારણ કે વિદ્યાર્થીઓને બાદમાં તેમનો સમય બગાડવાનો પસ્તાવો કરે છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.

રીલ જોનારા વિદ્યાર્થીઓની ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો
લગભગ 75 ટકા વિદ્યાર્થીઓએ તેઓ પરિવાર અને મિત્રો સાથે ઓછો સમય પસાર કરતા હોવાનું સ્વીકાર્યું હતું તો 65 ટકાએ શોર્ટ વીડિયો જોવાના કારણે તેમની ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ સ્ક્રીનમાંથી આવતી બ્લૂ લાઈટ વિદ્યાર્થીઓની ઊંઘની ગુણવત્તા માટે હાનિકારક સાબિત થઈ રહી છે, કારણ કે ઓવર એક્સપોઝર ખાસ કરીને અંધારામાં મેલાટોનિન હોર્મેનના ઉત્પાદનને ઘટાડે છે, જે ઊંઘને નિયંત્રિત કરે છે. જે વિદ્યાર્થીઓ રાતે વીડિયો જોતા હતા તેમના તરફથી અપૂરતી ઊંઘની ફરિયાદ મળી હતી. ‘અપૂરતી ઊંઘ એકાગ્રતામાં ઘટાડો કરે છે જે તેમના શૈક્ષણિક પર્ફોર્મન્સ પર અસર કરે છે’, તેમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

વધારે શોર્ટ વીડિયો જોતા વિદ્યાર્થીઓ લેક્ચર અને રીડિંગ મટિરિયલ્સ જેવા લાંબા કન્ટેન્ટમાં પોતાનું ધ્યાન પરોવી શકતા નથી. સ્ટડી કરાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓમાં એકાગ્રતાના સમયમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાક અગાઉ કરેલા સ્ટડીમાં પણ જાણવા મળ્યું હતું કે, મનુષ્યનું ધ્યાન 12 સેકન્ડથી ઘટીને 8 સેકન્ડ થયું છે, જે ગોલ્ડફિશ કરતાં ઓછું છે જે અંદાજે 9 સેકન્ડ જેટલું છે. મોટાભાગના વિદ્યાર્થીઓને તો તેમણે છેલ્લી કઈ રીલ જોઈ હતી તે પણ યાદ રહેતું નથી. ‘અનંક સ્ક્રોલિંગ શોર્ટ-ટર્મ મેમરીને અસર કરી શકે છે. ઝડપથી બદલાતું કન્ટેન્ટ માહિતીને મગજ સુધી અસરકારક રીતે પહોંચાડવામાં અવરોધી બને છે’, તેવું સ્ટડીનું તારણ છે.

Related posts

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે વર્ષ 2018 ના થયેલા લૂંટનો ભેદ ઉકેલાયો

editor

વિરાટ, રોહિત શર્માની નિંદા નહીં કરી શકું : અખ્તર

editor

તમામ અટકાયતી પગલા છતાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસો થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1