Aapnu Gujarat
ગુજરાત

અમરેલીનાં બે ભેજાબાજોએ મૃતકોનાં નામ ઉપર કરોડો રૂપિયા ચાંઉ કર્યાં

સૌરાષ્ટ્રમાં બોગસ આધાર કાર્ડ દ્વારા ૩૧ મૃતકોના નામ પર ૧૪ કરોડ રૂપિયાની અલગ-અલગ ૮૭ વીમા પોલિસી લઈ કરોડો રૂપિયાના ક્લેમ પાસ કરાવી લેવાના એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરેલીના આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે, જેમણે ગજબનું ભેજું ચલાવીને ૩૧ સરકારી અને પ્રાઈવેટ વીમા કંપનીઓને અંદાજે ૧૪ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. રાજુલા પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળ્યા બાદ તપાસ શરૂ થતાં આ આખોય કાંડ બહાર આવ્યો હતો.
પોલીસે પોતાને મળેલી ટીપના આધારે એક કારને ચેકિંગ દરમિયાન રોકી હતી, અને તેમાંથી મળેલા આધાર કાર્ડ સહિતના વીમા પોલિસીના દસ્તાવેજો ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ આધાર કાર્ડ બોગસ હતા, અને તેના આધારે વીમા પૉલિસી લેવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે હનુ પરમાર અને વનરાજ બલદાણીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે, આ બંને અમરેલી જિલ્લાના ડુંગર ગામના છે. આ બંને ભેજાબાજોએ ભાવનગરના ઉદયસિંહ રાઠોડ અને જીતેન્દ્ર પરમાર નામના વીમા એજન્ટો સાથે મિલીભગતથી આ આખુંય કૌભાંડ કર્યું હતું.
આધાર કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો ઉભા કરીને આ ચારેય આરોપીઓએ અલગ-અલગ વીમા કંપનીઓમાંથી ૮૭ વીમા પૉલિસી લીધી હતી. આ તમામ પોલિસી એવા ૩૧ લોકોના નામે લેવામાં આવી હતી કે જેઓના પહેલાથી જ મૃત્યુ થઈ ચૂક્યા હતા. આ કાંડની મોડસ ઓપરેન્ડી અંગે અમરેલીના એસપી હિમકાર સિંહે જણાવ્યું હતું કે આરોપી હનુ પરમાર રાજુલા તાલુકાના આસપાસના ગામડાંમાં જે વ્યક્તિનું મોત થયું હોય તેના પરિવારજનોનો સંપર્ક કરતા હતા. તેમને સરકાર તરફથી ૫૦ હજારથી ૧ લાખ રૂપિયાની સહાય અપાવવાની લાલચ આપવામાં આવતી હતી, અને ત્યારબાદ તેમની પાસેથી મૃતકના આધાર કાર્ડ લઈ લેવાતા હતા, અને તેના પર ફોટો બદલી દેવામાં આવતો હતો. મૃતકના આધાર કાર્ડમાં ચેડા કરીને આ લોકો તેના પરથી પાન કાર્ડ પણ કઢાવી લેતા હતા અને તેના આધારે બેંકમાં ખાતું ખોલાવીને આખરે મૃતકના નામ પર વીમા પૉલિસી લઈ લેતા હતા.
મૃતકના નામે વીમા પોલિસી લઈ લીધા બાદ આ લોકો અમુક સમય સુધી તેનું પ્રિમિયમ પણ ભરતા હતા, અને પછી ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને ક્લેમ મૂકી દેતા હતા.
અત્યારસુધી આ જ રીતે આ ચારેય લોકોએ ૩૧ મૃતકોના નામે કુલ ૮૭ પૉલિસી લીધી હતી. જેમાં કેટલીક પોલિસી તો માત્ર ત્રણ-ચાર વ્યક્તિના નામે જ લેવાઈ હતી. વીમા કંપનીઓને ઉલ્લુ બનાવીને આ લોકોએ ૨.૬૩ કરોડ રૂપિયાના ક્લેમ પાસ પણ કરાવી લીધા હતા, જે તેમના નામે ખોલાવેલા બેંક અકાઉન્ટમાં જમા થયા હતા. મૃતકના આધાર કાર્ડમાં ફોટો બદલાવવા માટે આ ગેંગ ભવદીપ બસિયા નામના એક વ્યક્તિની મદદ લેતી હતી, જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે, અને આ જ કંપનીને આધાર કાર્ડમાં ફેરફાર કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જોકે ભવદીપ બસિયા હજુ સુધી પોલીસને હાથ નથી લાગ્યો.
પોલીસનું કહેવું છે કે આ કૌભાંડમાં બીજા પણ કેટલાક લોકો સંડોવાયેલા છે, જેમાં ફેક આધાર કાર્ડ બનાવવા માટે પોતાનો ફોટો આપનારા લોકો, વીમા એજન્ટો અને વીમા કંપનીના કર્મચારીઓ ઉપરાંત કેટલાક સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
આ લોકોને વીમો પાસ થાય તો તેમાંથી ૧૦-૧૫ ટકા જેટલું કમિશન આપવાની લાલચ આપવામાં આવતી હતી. વીમા કંપનીઓને ચૂનો લગાવીને ઠગોની આ ગેંગ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતી હતી, પોલીસે તેમની પાસેથી ૫ મોંઘીદાટ કાર, ૯ બાઈક અને ૫૨ લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે. તેમણે જે મોંઘી ગાડીઓ અને બાઈક ખરીદ્યા હતા તે પણ મૃતકોના નામે જ ખોલાવાયેલા બેંક અકાઉન્ટ્‌સ પર લોન લઈને જ ખરીદાયા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
આરોપીઓએ અત્યારસુધી જે ૮૭ અલગ-અલગ વીમા પૉલિસી લીધી છે તેમાંથી ૨.૬૩ કરોડ રૂપિયા તેમણે ફેક ક્લેમ દ્વારા મેળવી લીધા છે, જ્યારે ૧.૮૧ કરોડ રૂપિયાની પૉલિસી હાલ ચાલુ છે અને ૩.૪૭ કરોડ રૂપિયાની પૉલિસી કેન્સલ થઈ છે. આ કૌભાંડીઓએ ૫.૧૦ કરોડ રૂપિયાના જે ક્લેમ કર્યા હતા તે વીમા કંપનીઓએ રિજેક્ટ કરી દેતા હાલ તેના કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે. પોલીસ તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે પકડાયેલા ચાર આરોપીઓમાંનો અમરેલીનો હનુ પરમાર વ્યવસાયે ડૉક્ટર છે, જ્યારે વનરાજ બલદાણીયા વીમા એજન્ટ છે. પોલીસે હાલ તમામ આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે, અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.

Related posts

અમદાવાદ-હિંમતનગર હાઈવેના ટોલ ટેક્સમાં ઝીંકાયો વધારો

aapnugujarat

લીંબડીની સગીરા પર દુષ્કર્મ કરનાર શિક્ષકને થઇ આજીવન કેદની સજા

aapnugujarat

સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ ૧૧૦.૫૧ મીટરથી ઘટીને ૧૦૮.૨૬ મીટર થઈ ગયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1