Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પુતિને 32 વર્ષે પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી

યુક્રેન પર રશિયાના આક્રમણને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. એક વર્ષ પછી પણ રશિયા-યુક્રેનનું આ યુદ્ધ પૂરું થવાના કોઈ સંકેત મળતા નથી. અમેરિકન પ્રમુખ જો બાઈડેનની યુક્રેન મુલાકાતથી છંછેડાયેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સરહદે દુનિયાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઈત તૈનાત કરવાની જાહેરાત કરી છે. વધુમાં અમેરિકા સાથે છેલ્લી બાકી રહેલી પરમાણુ સંધી ‘ન્યૂ સ્ટાર્ટ’ તોડયા પછી રશિયન પ્રમુખે ૩૨ વર્ષે પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી દુનિયાને પરમાણુ યુદ્ધના કિનારે લાવીને મૂકી દીધી છે.

એક વર્ષ પહેલાં ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ સૈન્ય અભિયાનના નામે રશિયન સૈન્ય યુક્રેન સરહદમાં ઘૂસ્યું હતું. આ સમયે રશિયા ગણતરીના દિવસોમાં યુક્રેન પર વિજય મેળવી લેશે તેમ મનાતું હતું. પરંતુ રશિયાના આક્રમણ સામે દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન નાટોની લશ્કરી અને હથિયારોની મદદથી યુક્રેને રશિયાને જોરદાર લડત આપી છે. આ એક વર્ષમાં યુદ્ધ શાંત થવાના કોઈ સંકેતો મળ્યા નથી. આવા સંજોગોમાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને રવિવારે યુક્રેનની મુલાકાત લઈને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનને ઉશ્કેર્યા છે. બાઈડેનની યુક્રેન મુલાકાત પછી રશિયન પ્રમુખે અમેરિકા સાથે બાકી રહેલી છેલ્લી પરમાણુ સંધિ ‘ન્યૂ સ્ટાર્ટ’ તોડી નાંખી હતી અને હવે પુતિને ૩૨ વર્ષે તેની પરમાણુ સાઈટ ખોલતાં દુનિયામાં હડકંપ મચી ગયો છે. અમેરિકા-રશિયા વચ્ચેની આ સંધિ તૂટવાની સાથે જ દુનિયા પરમાણુ યુદ્ધના કિનારે પહોંચી ગઈ છે. આ સંધિ રશિયા અને અમેરિકાને નવા પરમાણુ પરીક્ષણો કરતાં રોકતી હતી. પરંતુ અમેરિકન પ્રમુખ બાઈડેને યુક્રેન પહોંચીને ઝેલેન્સ્કીને તમામ મદદની ખાતરી આપતાં રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે રશિયા અને અમેરિકા, યુરોપનું થઈ ગયું છે.

રશિયન પ્રમુખ પુતિન કોઈપણ સંજોગોમાં આ યુદ્ધ હારવા માગતા નથી. પરિણામે તેમણે ૩૨ વર્ષથી બંધ પડેલી રશિયાની નોવાયા જેમલ્યા પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલીને દુનિયાને ચોંકાવી દીધી છે. પુતિને આ સાઈટ પર વહેલી તકે પરમાણુ પરીક્ષણ કરવાના પણ નિર્દેશ આપી દીધા છે. તેનાથી દુનિયામાં મહાવિનાશ નિશ્ચિત મનાય છે.

‘નોવાયા જેમલ્યા’ પરમાણુ સાઈટ ખોલવાના પુતિનના નિર્ણયથી યુક્રેન જ નહીં, પરંતુ અમેરિકા અને યુરોપ હચમચી ગયા છે. દુનિયામાં સૌથી વધુ પરમાણુ હથિયારો ધરાવતું રશિયા હવે કોઈપણ હદે જવા તૈયાર છે. આ સાઈટ ખોલવાની સાથે પુતિને દુનિયાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઈલ તેનાત કરવાની પણ જાહેરાત કરી છે. પુતિને કહ્યું કે, અમે આ વર્ષના અંત સુધીમાં સરમત મિસાઈલ રશિયન સૈન્યમાં તૈનાત કરી દઈશું. તેમની આ જાહેરાતથી પશ્ચિમી દેશોમાં પરમાણુ યુદ્ધનો ડર વધી ગયો છે. આરએસ-૨૮ સરમત લિક્વિડ ફ્યુઅલથી ચાલતી રશિયાની સૌથી ઘાતક મિસાઈલોમાંની એક છે.

પુતિને ક્રેમલિનથી જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે, અમે પહેલાંની જેમ ન્યૂક્લિયર ટ્રાયડ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. આ વર્ષે સરમત મિસાઈલ સિસ્ટમના પહેલા લોન્ચરને યુદ્ધક ડયુટી પર તૈનાત કરાશે. આ સિવાય પુતિને કહ્યું કે, રશિયા હાઈપરસોનિક કિંજલ મિસાઈલ સિસ્ટમનું મોટાપાયે ઉત્પાદન ચાલુ રાખશે અને ઝિરકોન હાઈપરસોનિક મિસાઈલોનો મોટાપાયે પૂરવઠો શરૂ કરશે.

દરમિયાન બાઈડેનના કીવ પહોંચીને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને ખુલ્લું સમર્થન આપવા સામે હવે ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ રશિયા પહોંચીને પુતિનને સમર્થન આપશે. ચીનના ચાણક્ય કહેવાતા વાંગ યી હાલ મોસ્કોમાં છે. તેમણે પુતિન સાથે મુલાકાત કરી હતી. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણને જોતાં પુતિને કહ્યું કે, ચીન અને રશિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ ખૂબ જ જરૂરી છે. રશિયન પ્રમુખ પુતિને આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપિત કરવામાં ચીનનું સમર્થન માગ્યું છે. હવે ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ ટૂંક સમયમાં જ મોસ્કોનો પ્રવાસ કરશે. જિનપિંગ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ એક ‘શાંતિ ભાષણ’ આપશે તેમ મનાય છે.

Related posts

મુંબઈ હુમલામાં સામેલ આતંકીને પાકિસ્તાનની કોર્ટે છોડી મૂક્યો

aapnugujarat

ट्रंप की आयरलैंड यात्रा के खिलाफ डब्लिन में विरोध प्रदर्शन

aapnugujarat

Indian-born Priti Patel become first Home Minister of Britain

aapnugujarat

Leave a Comment

UA-96247877-1