Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં દર્દીનો ઘસારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની આરોગ્ય સુખાકારી માટે વિવિધ પગલાંઓ ભરવામાં આવે છે, જેમાં એસવીપી હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં લોકોને તમામ પ્રકારની આરોગ્ય સેવા ઓછા દરે મળી રહે તેવું આયોજન કરાયું છે. શહેરના લાખો લોકો આ મ્યુનિ. હોસ્પિટલની સેવાનો લાભ લઈ રહ્યા છે. ગત એપ્રિલ-૨૦૨૨થી ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં આ ચારેય સરકારી હોસ્પિટલમાં કુલ ૧૪.૯૨ લાખથી વધુ ઓપીડી દર્દી નોંધાયા હોવાનું તંત્રના ડ્રાફ્ટ બજેટમાં દર્શાવાયેલા સત્તાવાર રિપોર્ટથી જાણવા મળ્યું છે.જીરિયાટ્રિક વિભાગ શરૂ કરનાર રાજ્યની સૌથી પહેલી સરકારી હોસ્પિટલ એવી એસવીપી હોસ્પિટલમાં ૬૦થી વધુ વયના લોકોને વિભિન્ન બીમારી હોઈ તેમને પોતાની બીમારીના નિદાન અને સારવાર માટે અલગ અલગ જગ્યાએ ફરવું ન પડે અને હાલાકી ભોગવવી ન પડે તે માટે એસવીપી હોસ્પિટલ ખાતે એક જ સંકુલમાં એક જ ફ્લોર પર જુદા જુદા પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાઈ છે, જેમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયાક, ન્યૂરોલોજી, ગાયનેકોલોજી, ઓપ્થેલ્મોલોજી, ઈએનટી, સાઇકિયાટ્રી તેમજ ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે.
એસવીપી હોસ્પિટલમાં એપ્રિલ-૨૦૨૨થી ડિસેમ્બર-૨૦૨૨ સુધી દસ મહિનામાં તંત્રના રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ ૧,૫૫,૧૨૨ ઓપીડી દર્દી નોંધાયા હતા, જ્યારે ૧૧,૫૬૪ દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લીધી હતી. હોસ્પિટલમાં આટલા જ સમયગાળામાં કુલ ૩૫૮૨ સર્જરી, ૪,૭૦,૨૨૨ લેબ ટેસ્ટ, ૩૨,૪૧૯ એક્સ-રે, ૫૨૦૯ એમઆરઆઇ, ૭,૩૨૧ ?સિટિ સ્કેન અને ૩૨,૬૧૫ સોનોગ્રાફી કરાઈ હતી. જ્યારે મણિનગર ખાતેની એલ.જી. હોસ્પિટલમાં સૌથી વધુ ૭,૭૧,૯૧૧ ઓપીડી દર્દી નોંધાયા હતા, જ્યારે ૭૬,૫૨૫ ઇન્ડોર દર્દીએ સારવાર મેળવી હતી. એલ.જી. હોસ્પિટલ ખાતે ૧૨૦૦ બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ હોઈ ઓપીડીમાં સારવાર મેળવતા દર્દીઓની દૈનિક ૩૨૦૦ જેટલી સંખ્યા છે, જ્યારે ઇન્ડોર દર્દી તરીકે ૮૫૦થી ૯૦૦ જેટલા દર્દી રોજેરોજ સારવાર મેળવે છે. એલ.જી. હોસ્પિટલમાં ૫૩,૭૬૨ કેઝ્‌યુઅલ્ટી દર્દી, ૨૦,૨૦૭ ઓપરેશન, ૮૮૦૯ ડિલિવરી, ૨,૬૫,૩૦૪ એક્સ-રે, ૯૨,૦૬૧ સોનોગ્રાફી, ૧૪,૫૬૪ ?સિટી સ્કેન, ૪,૩૭૪ એમઆરઆઇ અને ૩૫,૩૧,૧૫૬ લેબ ટેસ્ટ સાથે અમદાવાદીઓની સૌથી લાડકી મ્યુનિ. હોસ્પિટલ બની છે.
એક સમયની ખૂબ પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં મ્યુનિ. તંત્રના દર્શાવેલા સત્તાવાર આંકડા મુજબ કુલ ૧,૨૪,૮૩૨ ઓપીડીના નવા દર્દી, ૯૩,૦૩૬ ઓપીડીના જૂના દર્દી મળીને કુલ ૨,૧૭,૮૬૮ ઓપીડીના જૂના-નવા દર્દી નોંધાયા હતા, જ્યારે અંદરના દર્દી થઈ કુલ ૧૦,૦૧૩ દર્દીઓએ સારવાર મેળવી હતી.
પૂર્વ અમદાવાદના લાખો ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ બનેલી સરસપુરની શારદાબહેન હોસ્પિટલમાં કુલ ૪૭૦ બેડની વ્યવસ્થા છે. આ હોસ્પિટલમાં એપ્રિલ-૨૦૨૨થી ડિસેમ્બર-૨૦૨૨ સુધીના નવ મહિનાના સમયગાળામાં કુલ ૪,૪૨,૫૬૫ ઓપીડી દર્દી નોંધાયા હતા, જ્યારે ૯૫,૭૩૪ ઇન્ડોર પેશન્ટે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એલ.જી. હોસ્પિટલ ખાતે નવી મલ્ટિસ્ટોરિડ હોસ્પિટલ બંધાશે. નવ માળના નવા બિલ્ડિંગ પાછળ તંત્ર દ્વારા રૂ. ૨૭૫ કરોડ ખર્ચાશે, જ્યારે શારદાબહેન હોસ્પિટલ ખાતે પણ નવી ૭૦૦ બેડની ક્ષમતા ધરાવતું મલ્ટિસ્ટોરિડ બિલ્ડિંગ રૂ. ૨૫૦ કરોડના ખર્ચે બનાવાશે.

Related posts

સાબરકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ઝડપ્યો

aapnugujarat

લખતરના તલાવણીમાં ગ્રામપંચાયત વિરુધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ

editor

8 દિવસ માટે ઊંઝા એ.પી.એમ.સી. બંધ રહેશે

editor

Leave a Comment

UA-96247877-1