Aapnu Gujarat
ગુજરાત

પાવાગઢ દર્શનાર્થે આવેલા માઈભક્તો પાર્કિંગના નામે લૂંટાયા

આશો નવરાત્રીના પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામમાં આસ્થા, શ્રદ્ધા અને શક્તિ સાથે મહાકાળીની ભક્તિ અને ઉપાસના કરવા આવેલા માઈભક્તો પાસે વાહન પાર્કિંગના નામે ઉઘાડે ચોક લૂંટફાટ મચાવવામાં આવી હતી. જાહેર રસ્તા ઉપર વાહન મૂકવાના ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે ૨૦૦ રૂપિયા સુધી સ્થાનિક રહીશો અને દુકાનદારો વસુલતા હોવાથી ભક્તોમાં વહીવટીતંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી હતી. શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના દર્શને ગુજરાત જ નહીં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના માઇભક્તો પગપાળા, રથ લઈ, સંઘ લઈ અને વાહનો લઈને આવતા હોય છે. નવ દિવસ સુધી અવિરત ભક્તોનો પ્રવાહ ચાલુ રહેતા રોજના ત્રણ લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરતાં હોય છે. ચાલુ વર્ષે મંદિરના નવનિર્માણ અને યાત્રાળુઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓને લઈ દર અઠવાડિયે (વિકેન્ડ)માં જ બે લાખ માઈભક્તો દર્શન કરવા આવતાં હોવાથી નવરાત્રી દરમ્યાન દરરોજ ચાર લાખથી વધારે માઈ ભક્તો આવવાની સંભાવનાઓ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માચીમાં પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાથી ખાનગી વાહનો લઈ પાવાગઢ આવતાં માઇભક્તોને માચી સુધી વાહનો લઈ જવા દેવામાં આવતાં નથી અને દર્શનાર્થીઓની સુવિધા માટે ગુજરાત સરકારની એસ.ટી. બસની જ અવર-જવર તળેટીમાંથી માચી સુધી કરવા દેવામાં આવે છે. ત્યારે પોતાના ખાનગી વાહનો લઈ આવેલા માઈ ભક્તોએ ફરજિયાત પોતાના વાહનો પે-પાર્કિંગમાં મુકવા પડે છે. તળેટીમાં આવેલા ત્રણ જેટલા પે-પાર્કિંગમાં ફક્ત ૫ હજાર જેટલા વાહનો જ પાર્ક કરી શકાય એટલી વ્યવસ્થા છે અને માચીમાં ૧૫૦૦ જેટલા જ વાહનો પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા હોવાથી રોજ આવતા ૫૦ હજાર જેટલા વાહનો માટે આ પે-પાર્કિંગની પૂરતી વ્યવસ્થાના અભાવે માઇભક્તો રોડની બાજુમાં ચાર-પાંચ કિલોમીટર સુધી પોતાના વાહનો મૂકે છે. જ્યાં સ્થાનિક દુકાનદારો ભક્તોને વાહનો મૂકવા દેતાં નથી અને પાર્કિંગના નામે કોરી પાવતી આપી ? ૨૦૦/- વસૂલી રહ્યા છે. આ પાર્કિંગના નામે ગેરકાયદે વસૂલી ન થાય અને પાવાગઢ આવતાં માઈ ભક્તો છડેચોક લૂંટાય નહીં તે માટે સ્થાનિક ગ્રામ પંચાયતે પણ એક પત્ર લખી સ્થાનિક પોલિસને અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવાનું તલાટી કમ મંત્રીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે.

Related posts

ગુજરાતમાં આજે ૧૬૪થી વધુ રથયાત્રા નીકળશે

aapnugujarat

વસ્ત્રાલથી એપરલ પાર્કની વચ્ચે વર્ષના અંતે મેટ્રો દોડતી કરાશે : નાયબ મુખ્યપ્રધાન

aapnugujarat

वेजलपुर से जीवराजपार्क का रास्ता ज्यादा खराब हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1