Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાન સરકાર ૧.૩૫ કરોડ મહિલાને મફતમાં સ્માર્ટફોન આપશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ અને આપ જેવા રાજકીય પક્ષો એકથી એક ચઢિયાતા વચનો આપી રહ્યા છે. જેની સામે પીએમ મોદીએ મફતની રેવડી જેવો શબ્દપ્રયોગ કરી એક નવી જ ચર્ચા શરુ કરાવી દીધી છે.
એક તરફ ભાજપના નેતાઓ ગુજરાતની પ્રજાને મફતની રેવડી નથી જોઈતી તેવા દાવા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સરકાર ૧.૩૫ કરોડ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન આપવા જઈ રહી છે, જેની સાથે ૩ વર્ષ સુધી ઈન્ટરનેટ પણ ફ્રીમાં મળશે.
મુખ્યમંત્રી ડિજિટલ સેવા યોજના અંતર્ગત ઓક્ટોબર મહિનાથી ફ્રી સ્માર્ટફોનનું વિતરણ શરુ કરવામાં આવશે, તેવી માહિતી રાજ્યના શિક્ષણમંત્રી બી.ડી. કાલ્લા દ્વારા સીએમ અશોક ગેહલોત વતી પ્રશ્નકાળ દરમિયાન વિધાનસભામાં આપવામાં આવી હતી. રાજ્યના આઈટી વિભાગ દ્વારા આ સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે, જેના માટે ૨૩૦૦ કરોડ રુપિયાની સપ્લિમેન્ટ્રી બજેટ ડિમાન્ડ કરાઈ છે.
રાજસ્થાન સરકાર દ્વારા ચલાવાતી ચિરંજીવી સ્કીમ હેઠળ જે પણ મહિલાએ પરિવારના વડા તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને સ્માર્ટફોન આપવામાં આવશે. આ સ્કીમ માટે બજેટમાં સરકારે પહેલા જ ૧૨૦૦ કરોડ રુપિયા ફાળવી દીધા છે. વધારાના ૨૩૦૦ કરોડ મંજૂર થયા બાદ કુલ ૩૫૦૦ કરોડ રુપિયાના ખર્ચે સ્કીમના પહેલા તબક્કામાં સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં આ સ્કીમ હેઠળ ૧૨,૦૦૦ કરોડના ખર્ચે ૧.૩૫ કરોડ મહિલાઓને ફ્રીમાં સ્માર્ટફોન અપાશે તેમ મંત્રીએ ગૃહને જણાવ્યું હતું.
રાજ્ય સરકારના દાવા અને યોજનાના લાભાર્થીઓના આંકડા અંગે વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ સવાલ ઉઠાવ્યા હતા. જેનો જવાબ આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આ અંગે ટેન્ડર મગાવવાની પ્રક્રિયા ૧૬મી મેના રોજ શરુ કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં ટેકનિકલ ટેન્ડર બહાર પડાયું હતું જ્યારે ૮ સપ્ટેમ્બરના રોજ નાણાકીય ટેન્ડર રિલીઝ કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા મફતમાં જે સ્માર્ટફોન આપવામાં આવશે તેમાં સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડતી ઈ-મિત્ર, ઈ-ધરતી અને રાજસંપર્ક જેવી એપ્સ ઈન્સ્ટોલ્ડ હશે. આ યોજનાનો હેતુ શું છે તે અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે પાત્રતા ધરાવતા લાભાર્થી પરિવારોને સરકારની કલ્યાણ યોજનાઓની માહિતી તેમજ તેના લાભ સરળતાથી મળી રહે તે આ યોજનાનો હેતુ છે.

Related posts

સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માંગ કરી નથી : જેટલી

aapnugujarat

૨૯ વસ્તુઓ અને ૫૩ સર્વિસ પર જીએસટી રેટમાં ઘટાડો થયો

aapnugujarat

ચેન્નઈમાં આઈટી રેડ : ૧૬૦ કરોડ કબજે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1