Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસ પ્રમુખપદ સંસ્થાકીય નહીં આઈડિયોલોજિકલ છે : રાહુલ

હાલ ભારત જોડો યાત્રા પર રહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી નથી લડવાના તેવી જોરદાર અટકળો વચ્ચે રાહુલે પોતે પણ આજે આ વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. દાયકાઓ બાદ કોંગ્રેસનું પ્રમુખ પદ ગાંધી પરિવાર સિવાયના કોઈ વ્યક્તિને મળશે તેવી શક્યતા વચ્ચે રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે, પ્રમુખપદની ચૂંટણી અંગે તેઓ પહેલા જ પોતાના વિચાર સ્પષ્ટ કરી ચૂક્યા છે. અશોક ગેહલોત અને શશિ થરુર વચ્ચે કોંગ્રેસના પ્રમુખ પદ માટે રેસ ચાલી રહી છે. પક્ષનું એક જૂથ ગેહલોતને પ્રમુખ બનાવવા ઈચ્છે છે, પરંતુ ગેહલોત રાજસ્થાનના સીએમની ખુરશી છોડવા તૈયાર નથી.
રાહુલ ગાંધીએ શરુ કરેલી ભારત જોડો યાત્રાનો આજે ૧૫મો દિવસ છે. આ યાત્રા હાલ કેરળમાં છે અને તે ૩૨૫ કિલોમીટર જેટલું અંતર કાપી ચૂકી છે. આજે કેરળમાં જ કોંગ્રેસના જયરામ રમેશ સહિતના સિનિયર નેતાઓની હાજરીમાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
જયરામ રમેશે પણ તાજેતરમાં જ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી માટે દિલ્હી નહીં આવે. ઘણા વર્ષો બાદ કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી થવા જઈ રહી છે.
રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે, પક્ષના પ્રમુખપદે બેસનારા વ્યક્તિએ એ યાદ રાખવું પડશે કે તે નિશ્ચિત વિચારોનું અને વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત તે વ્યક્તિ દેશ માટે પણ એક વિઝન ધરાવતો હોવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ એક સંસ્થાકિય પદ નહીં, પરંતુ એક આઈડિયોલોજિકલ પદ છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના રુટ પર પણ વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે. રાજકીય રીતે સૌથી મહત્વના મનાતા યુપીમાં ભારત યાત્રા કેમ ગણતરીના સમયમાં જ પસાર થઈ જશે તે સવાલ પર રાહુલે કહ્યું હતું કે યુપી અંગે કોંગ્રેસની દ્રષ્ટિ એકદમ સ્પષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, બેરોજગારી તેમજ મોંઘવારીની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. લોકોને પણ આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે દેશમાં નફરત ફેલાવવામાં ભાજપ અને સંઘ બરાબરના સાથી છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ કેટલું ઉકાળી શકશે તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે. ગુજરાતમાં આ વખતે કદાચ પહેલીવાર આમ આદમી પાર્ટીના આગમન સાથે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી શક્યતા સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસને તેનાથી નુક્શાન થશે કે ભાજપ તેનો સૌથી વધુ ફાયદો ઉઠાવી જશે તે મુદ્દો પણ ઉપસ્થિત થઈ રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટીના કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના સિનિયર નેતાઓ ગુજરાતમાં ધામા નાખીને ઠેર-ઠેર સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ હજુ સુધી ખાસ સક્રિય મોડમાં નથી દેખાઈ રહી.

Related posts

પટણામાં વરસાદથી હાલત કફોડી

editor

ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે આરએસએસ, વેચાશે મોદી કુર્તાથી લઈને અનેક પ્રોડક્ટ્‌સ

aapnugujarat

ભારતીયે બદલાવ્યો કાયદો, આયર્લેન્ડમાં હટશે ગર્ભપાત પરનો પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1