Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના વેજલપુરમાં ઓનર કિલિંગ : યુવકે બહેનના બોયફ્રેન્ડની હત્યા કરી

અમદાવાદ શહેરમાં ઓનર કિલિંગની એક કાળજુ કંપાવી નાખનારી ઘટના સામે આવી છે. વેજલપુર વિસ્તારમાં રહેતા એક ૨૫ વર્ષીય યુવકે પોતાની બહેનના ૧૯ વર્ષીય બોયફ્રેન્ડની ૧૩મી ઓગસ્ટના રોજ કરપીણ હત્યા કરી હતી. આરોપીએ શહેરની બહાર આવેલા લિલાપુર ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં આ હત્યાને અંજામ આપ્યો હતો. બનાવના લગભગ એક મહિના પછી અમદાવાદ પોલીસે ગુનેગાર અને તેના સાથીદારને પકડી પાડ્યા છે.
અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચ અધિકારી જણાવે છે કે, ગણેશ ઠાકોર વ્યવસાયે રિક્ષા ડ્રાઈવર છે. તેની ૨૧ વર્ષીય બહેન સુમન રોહિત વણકર સાથે પ્રેમમાં હતી. ગણેશને રોહિત અને સુમનો સંબંધ સ્વીકાર્ય નહોતો, માટે તેણે કુહાડીથી ગળા પર વાર કરીને તેને જીવ લઈ લીધો હતો. રોહિત વણકર આરોપીના નાના ભાઈનો ખાસ મિત્ર હતો અને શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતો હતો. રોહિત મજૂરીકામ કરતો હતો.
૧૩મી ઓગસ્ટના રોજ રોહિત વણકર ગાયબ થઈ ગયો. તેના માતા ભાવના વણકરે દીકરાને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મિત્રો અને સંબંધીઓના ઘરે તપાસ કરી પરંતુ તે મળતો નહોતો. ૨ સપ્ટેમ્બરના રોજ આખરે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી. આ કેસ ક્રાઈમ બ્રાઈન્સ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એલ.દેસાઈને સોંપવામાં આવ્યો. કેસની તપાસ શરુ કરવામાં આવી. ગુરુવારના રોજ સબ-ઈન્સ્પેક્ટર અનિરુદ્ધ જેબાલિયાને ટિપ મળી કે ગણેશ અને રોહિત વચ્ચે કંઈક તો વિવાદ હતો. અને ગુમ થયો તો પહેલા રોહિત ગણેશ સાથે જ જોવા મળ્યો હતો.
પોલીસે ગણેશની અટકાયત કરી અને પૂછપરછ શરુ કરી. પોલીસ તપાસ દરમિયાન ગણેશ ભાંગી પડ્યો અને હત્યાનો ગુનો સ્વીકાર્યો. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ગણેશને પોતાની બહેન સુમનના રોહિત સાથેના સંબંધ વિશે બે મહિના પહેલા જાણ થઈ હતી. ગણેશે રોહિતને ઘણી વાર ધમકી આપી હતી કે તે તેની બહેનથી દૂર રહે, પરંતુ રોહિતે ઈનકાર કર્યો અને સુમનને મળવાનું ચાલુ રાખ્યું. રોહિત સુમન સાથે લગ્ન કરવા માંગતો હતો. સુમને બે વર્ષ પહેલા પતિને છૂટાછેડા આપ્યા હતા.
ગણેશે આ તમામ વાત પોતાના મિત્ર સુરેશ ઠાકોરને કરી અને રોહિતને બહેનના જીવનમાંથી દૂર કરવા માટે મદદ માંગી. તેમણે રોહિતની હત્યા કરવાનો નિર્ણય લીધો. રોહિતને લિલાપુર ગામમાં એક ફાર્મહાઉસ પર દારૂ પાર્ટી માટે બોલાવવામાં આવ્યો. યોજના અનુસાર તેમણે રોહિતને ખૂબ દારૂ પીવડાવ્યો અને પછી જ્યારે તે નશામાં ધૂત હતો ત્યારે સુમન સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાની વાત કરી. આ પછી ગણેશ અને રોહિત વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ. સુરેશ ઠાકોરે રોહિતને જમીન પર પાડી દીધો અને ગણેશે કુહાડીથી તેના પર અનેક ઘા કર્યા.
રોહિતની હત્યા પછી, ગણેશ અને સુરેશે એક મજૂરની મદદથી ઉંડો ખાડો ખોદ્યો અને મૃતદેહને ત્યાં છુપાવી દીધો. આટલુ જ નહીં, તેના પર ૨૦ કિલો મીઠું પણ ઠાલવ્યું. આ જાણકારી મળ્યા પછી પોલીસે જમીનમાંથી મૃતદેહ નીકાળ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હત્યા જે હથિયારથી કરવામાં આવી હતી તે પણ પોલીસે જપ્ત કર્યું છે. હત્યા, ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાના આરોપસર ગણેશ અને સુરેશની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો આરંભ કલોલ ખાતે થયો

aapnugujarat

તાઉતે એ બાગાયતી પાકમાં વેર્યું વિનાશ

editor

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે વી.સી.ઈ મંડળ દ્વારા બેઠક યોજાઇ

editor

Leave a Comment

UA-96247877-1