Aapnu Gujarat
બિઝનેસ

સુરતનો કાપડ ઉદ્યોગ ધીરે ધીરે તેજી તરફ વધી રહ્યો છે

કોરોનાની મહામારી બાદ સુરતનો કાપડ ઉદ્યોગ ધીરે ધીરે તેજી તરફ વધી તો રહ્યો છે. પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બિઝનેસ ઓછો મળી રહે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. દિવાળી અને નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વેપારીઓનું કહેવું છે કે જો અત્યારે ખરીદી નહીં નીકળે તો ગત વર્ષની સરખામણીમાં ત્રણથી ચાર હજાર કરોડનો ઓછો બિઝનેસ આ વખતે થઈ શકે છે.
સુરતમાં દરરોજ ૪,૦૦,૦૦૦ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં વેપારીઓ આગામી તહેવારોને લઈને ઉત્સાહમાં છે. નવરાત્રી દુર્ગા પૂજા અને દિવાળીની તૈયારીઓ ઉદ્યોગકારોએ તો કરી લીધી છે. પરંતુ ખરીદી જે પ્રકારે હોવી જોઈએ તે અત્યારે દેખાઈ રહી નથી. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં અલગ અલગ તહેવારો પણ આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને દુર્ગાપૂજાનો તહેવાર મહત્વનો છે. પશ્ચિમ અને દક્ષિણના વેપારીઓ સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ખરીદી શરૂ કરી દેતા હોય છે. પરંતુ અત્યારે ખૂબ ઓછી ડિમાન્ડ થઈ રહી છે.
વેપારીઓનું કહેવું છે કે સામાન્ય સંજોગોમાં દક્ષિણના વેપારીઓ ૧૫ થી ૨૦ દિવસ વહેલી ખરીદી શરૂ કરી દેતા હોય છે. જ્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં તહેવારોના છેલ્લા દિવસો સુધી ખરીદી થતી હોય છે, ઓછી ખરીદી જાણવા માટે વેપારીઓ સુરતથી કેટલા પાર્સલો બહાર જાય છે તેને આધારે ગણતરી કરતા હોય છે. તહેવારોની સિઝનમાં સામાન્ય રીતે ૪૦૦ થી વધુ ટ્રક દરરોજ પાર્સલ સુરતથી દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લઈ જતા હોય છે. જેની સંખ્યા હાલમાં ઘટીને ૨૦૦ની આસપાસ થઈ ગઈ છે.
બીજી તરફ ઓનલાઇન વેપાર વધ્યો છે, જેના કારણે પણ ટ્રકોમાં થતી ડિલેવરી ઘટી ગઈ છે. એક અંદાજ પ્રમાણે ગત વર્ષે દિવાળી નવરાત્રી અને દુર્ગા પૂજામાં ૧૬,૦૦૦ કરોડનો બિઝનેસ થયો હતો. જે આ વખતે ઘટીને ૧૨,૦૦૦ કરોડનો થાય એવી શક્યતા છે. હાલમાં લોકો ઓનલાઈન ખરીદી વધારે કરે છે. જેના કારણે પણ સુરતના વેપારીઓ સાથે સીધો ખરીદીનો સંપર્ક થતો નથી.
બીજી તરફ કોરોનાની મહામારી બાદ લોકોની ખરીદ શક્તિ પણ ઘટી છે, ત્યાં જ સતત અન્ય વસ્તુઓના ભાવોમાં થતો વધારો પણ જવાબદાર પરિબળ છે. સતત વધતી મોંઘવારીના કારણે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને પ્રાથમિકતા આપે છે. જોકે આ બધા વચ્ચે વેપારીઓ અને ઉદ્યોગકારોને આશા છે કે દિવાળી સુધીમાં સ્થિતિ સુધરશે અને તેમની ગતિ સરખામણીમાં જ કમાણી કરવાનો મોકો મળશે.

Related posts

મૂડીઝે ભારતનું રેટિંગ નેગેટિવમાંથી સુધારી સ્ટેબલ કર્યુ

editor

વોટ્‌સએપના યુઝર્સ માટે ખુશ ખબર, હવે એકસાથે ઘણા લોકો સાથે થશે ઓડિયો ચેટ

aapnugujarat

પશ્ચિમ બંગાળમાં ૫૦ અબજ રૂપિયા રોકવા મુકેશ અંબાણીની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1