Aapnu Gujarat
બિઝનેસ

ઈંધણ ઉપર ટેક્સથી સરકારને દૈનિક ૨૯૫ કરોડની આવક થશે

કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડિઝલની નિકાસ ઉપર તેમજ સ્થાનિક ઉત્પાદન થતું હોય એવા ક્રુડ ઓઈલ ઉપર ટેક્સની જાહેરાત કરી છે. નિકાસ થતું હોય એવા પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂ.૬, ડિઝલ ઉપર રૂ.૧૩ના ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ઊંચા ભાવના કારણે સ્થાનિક ઉતાપકોને પણ ફાયદો થઇ રહ્યો છે એટલે સરકારે તેના ઉપર પ્રતિ ટન રૂ.૨૩,૨૫૦ની વધારાની સેસ લાદી છે.
સરકારનો ઉદ્દેશ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડિઝલની ઉપલબ્ધી વધે એવો છે. કારણ કે વૈશ્વિક બજારમાં ઊંચા ક્રુડના ભાવ સામે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ નીચા છે. સ્થાનિક ઓઈલ રીફાઇનીંગ કંપનીઓને બજારમાં માલના વેચાણ ઉપર ખોટ થઇ રહી છે. કેટલીક કંપનીઓએ પોતાનું સ્થાનિક ઉત્પાદન વિશ્વની બજારમાં ઊંચા ભાવે વેચવાનું શરુ કરતા દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ખાસ કરીને ડિઝલની અછત જોવા મળી રહી છે.
ભારતમાં સ્થાનિક ક્રુડ ઓઈલનું દૈનિક ૫૫,૦૦૦ ટન જેટલું ઉત્પાદન થાય છે એટલે સરકારે વધારે નાખેલી રૂ.૨૩,૨૫૦ની સેસના કારણે માત્ર આ સેસ થકી સરકારને દૈનિક રૂ.૧૨૭.૮૭ કરોડની વધારાની આવક થશે.
બીજી તરફ, ભારત ભલે ક્રુડ ઓઈલનું મોટું આયાતકાર હોય પણ પેટ્રોલ અને ડિઝલની જંગી નિકાસ પણ કરે છે.
ભારતમાંથી દૈનિક ૪.૯૦૫ કરોડ લીટર પેટ્રોલની અને ૧૦.૫૩ કરોડ લીટર ડિઝલની નિકાસ થાય છે. બન્ને ઇંધણ ઉપર સેસ લાદવામાં આવી છે. પેટ્રોલ ઉપર સેસથી સરકારને દરરોજ રૂ.૨૯.૪૩ કરોડ અને ડિઝલ ઉપરની સેસથી સરકારને દૈનિક રૂ.૧૩૬.૮૯ કરોડની વધારાની આવક થશે.
આ સેસના કારણે ભારતીય પેટ્રોલ અને ડિઝલના ભાવ વૈશ્વિક બજારમાં ઊંચા થવાથી સ્પર્ધામાં ભારત ટકી શકે કે નહી તે અંગે કોઈ જાણકારી નથી. પણ મોટાભાગના કિસ્સામાં કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલનો પુરવઠો નિકાસ કરવા માટે લાંબાગાળાના કરાર કર્યા હોય છે એટલે નિકાસ તો થશે જ શક્ય છે કે ઊંચા રીફાઈનીંગ માર્જિંનના કારણે સેસનો બોજ કંપનીઓ પોતે સહન કરી લે.
એકંદરે ત્રણેય ઇંધણ ઉપર ટેક્સ લાદવાથી સરકારને દૈનિક રૂ.૨૯૫ કરોડની આવક થશે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટતા કરી છે કે વધારાના ટેક્સ અંગે કેન્દ્ર સરકાર દર પખવાડિયે વિશ્વની બજારમાં ક્રુડ અને અન્ય ચીજોના ભાવના આધારે સમીક્ષા કરશે અને એમાં જરૂર પડ્યે વધારો કે ઘટાડો કરી શકે છે.

Related posts

દાર્જિલિંગમાં આંદોલન વકરતાં ત્રણ હજાર ગુજરાતીઓએ ટુરમાં જવાનુ માંડી વાળ્યું

aapnugujarat

FPI દ્વારા વેચવાલીનો દોર જારી

aapnugujarat

વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આજે નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1