Aapnu Gujarat
શિક્ષણ

ધો.૧૧ સાયન્સનું મેરિટ લિસ્ટ ૨૨ જૂને, પ્રવેશ યાદી ૨૭ જૂને જાહેર કરાશે

ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશ માટે આજથી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે સ્કૂલો દ્વારા આજથી પ્રવેશ ફોર્મનું વિતરણ કરવામાં આવશે. સ્કૂલો દ્વારા આવતી ૨૫ જૂન સુધી પ્રવેશ ફોર્મનું વિતરણ અને સ્વીકારવામાં આવશે. ધોરણ ૧૧ સાયન્સની સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને ૨૨ જૂને જાહેર કરવાનું રહેશે. પ્રથમ પ્રવેશ યાદી સ્કૂલો દ્વારા ૨૭ જૂનના રોજ જાહેર કરવામાં આવશે. જો કે, સ્કૂલો દ્વારા તબક્કાવાર કુલ ૩ પ્રવેશયાદી જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા બાદ હવે ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યની સંયુક્ત રીતે પ્રવેશ પ્રક્રિયા શરુ કરાશે. ધોરણ ૧૧ સાયન્સના પ્રવેશ વખતે મેરિટ યાદી તૈયાર કરતી વખતે ધોરણ ૧૦ના મુખ્ય ત્રણ વિષયો ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન (પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા)ના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે. મંગળવારથી સ્કૂલો દ્વારા પ્રવેશ ફોર્મનું વિતરણ કરાશે અને જમા કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાશે.
આ કાર્યવાહી ૨૫ જૂન સુધી ચાલશે. આ દરમિયાન સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓ પૈકી ધોરણ ૧૦માં પાસ થયેલા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનાવી ૨૨ જૂનના રોજ સવારે ૧૦ વાગે સ્કૂલના નોટિસ બોર્ડ પર જાહેર કરવાનું રહેશે. ધોરણ ૧૧ સાયન્સ ચલાવતી લઘુમતી સ્કૂલોએ પોતાની સ્કૂલના ૬૯ અને અન્ય સ્કૂલના ૬ વિદ્યાર્થીઓ મળીને ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ગણિત બેઝિક સાથે પાસ કર્યુ હોય તેઓ ધોરણ ૧૧ સાયન્સમાં બી ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ ગ્રૂપ એ કે ગ્રૂપ એબીમાં પ્રવેશ મેળવી શકશે નહીં. ગણિત બેઝિક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ એ અથવા એબી ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડ વિષયની પરીક્ષા પાસ કરવાની રહેશે. ત્યાબાદ જ તેઓ એ કે એબી ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે. ૨૫ જૂને ફોર્મ જમા કરાવી દીધા બાદ ૨૭ જૂને સ્કૂલો દ્વારા પ્રથમ પ્રવેશ યાદી બહાર પાડવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ યાદીમાં જે વિદ્યાર્થીઓનું નામ હશે તેઓએ ૨૭ અને ૨૮ જૂનના રોજ ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આ રીતે કુલ ત્રણ પ્રવેશ યાદી બહાર પાડવામાં આવશે.
ત્રણ રાઉન્ડની યાદી ૨ જુલાઈના રોજ પૂર્ણ થયા બાદ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા શાળાકક્ષાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતા પોતાની ધોરણ ૧૧ સાયન્સની ખાલી પડેલી બેઠકોની વિગતો બીટ મદદનીશ શિક્ષણ નિરીક્ષક મારફતે કેન્દ્રીય ભરતી પ્રક્રિયા માટે મોકલવાની રહેશે.
ધોરણ ૧૧ સાયન્સની પ્રવેશ કાર્યવાહી ૨ જુલાઈના રોજ પૂર્ણ થયા બાદ જે વિદ્યાર્થીઓ પ્રવેશીથી વંચિત રહી ગયા હશે તેઓ માટે કાર્યવાહી શરુ કરવામાં આવશે. જેમાં પ્રવેશથી વંચિત તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય ભરતી પ્રક્રિયાના ફોર્મ ૪ જુલાઈથી ૫ જુલાઈ દરમિયાન રાયખડ ખાતે આવેલી સરકારી કન્યા શાળામાં સવારના ૧૧થી સાંજના ૫ વાગ્યા સુધી મેળવી એ જ દિવસે ભરીને વિતરણ કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા સરકારી કન્યા શાળા ખાતે ૭ જુલાઈના રોજ સવારે ૧૦-૩૦ વાગે શરુ કરાશે.
પ્રથમ પ્રવેશ યાદી ૨૭ જૂને જાહેર કરવામાં આવશે. ૨૭ અને ૨૮ જૂનના રોજ ફી ભરવાની રહેશે. બીજી પ્રવેશ યાદી ૨૯ જૂને જાહેર કરવામાં આવશે. ૨૯ અને ૩૦ જૂનના રોજ ફી ભરવાની રહેશે. જ્યારે ત્રીજી પ્રવેશ યાદી ૩૦ જૂનના રોજ જાહેર કરવામાં આવશે. જેની ફી ૩૦ જૂન અને ૧ જુલાઈના રોજ ભરવાની રહેશે.

Related posts

કેનેડામાં ઓનલાઈન કોર્સ કર્યો હશે તો પણ વર્ક પરમિટ મળશે

aapnugujarat

આરટીઇ હેઠળ પ્રવેશ માટે અમદાવાદ શહેર-ગ્રામ્ય માટે ૨૮ હજારથી વધુ અરજીઓ

aapnugujarat

ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ માટે ત્રીજુ મેરિટ લીસ્ટ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1