Aapnu Gujarat
રાષ્ટ્રીય

લિવ ઈનમાં રહેતા કપલને જો બાળક થાય તો તે બાળકને પૈતૃક સંપતિમાં હક મળશે : SC

ભારતમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેવું એ ગુનો નથી પરંતુ અત્યાર સુધી લિવ ઈનમાં રહેતા પુરુષ અને મહિલાથી કોઈ સંતાન થાય તો તેને પૈતૃક સંપત્તિમાં હક મળતો નહતો. હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પુરુષ અને મહિલાથી જન્મેલા સંતાનને પૈતૃક સંપત્તિમાં પણ હક મળશે. દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટે લિવ ઈન રિલેશનશીપ અંગે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે જો પુરુષ અને મહિલા વર્ષો સુધી સાથે પતિ પત્નીની જેમ રહે તો બંનેના લગ્ન થઈ ગયા એવું માની લેવાશે અને તેના આધારે તેમના બાળકોનો પૈતૃક સંપત્તિ ઉપર પણ હક રહેશે. આ સમગ્ર મામલો સંપત્તિ વિવાદ અંગે હતો. ૨૦૦૯માં કેરળ હાઈકોર્ટે આ કેસમાં પૈતૃક સંપત્તિ પર લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પુરુષ અને મહિલાના પુત્રને પૈતૃક સંપત્તિ પર હક આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને હવે સુપ્રીમે કેરળ હાઈકોર્ટના ચુકાદાને પલટી નાખ્યો અને કહ્યું કે પુત્રને પૈતૃક સંપત્તિ પર હક આપવાની ના પાડી શકાય નહીં. આ સમગ્ર મામલો કેરળનો હતો. કત્તૂકંડી ઈધાતિલ કરનલ વૈધારની સંપત્તિને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કત્તૂકંડીના ચાર પુત્રો હતા દામોદરન, અચ્યુતન, શેખરન અને નારાયણ. અરજીકર્તાનું કહેવું હતું કે તેઓ દામોદરનના પુત્ર છે. જ્યારે પ્રતિવાદીનું કરુણાકરનનું કહેવું છે કે તે અચ્યુતનનો પુત્ર છે. શેખરન અને નારાયણના અપરણિત હતા ત્યારે મોત થઈ ગયા હતા. કરુણાકરનનું કહેવું હતું કે તેઓ જ અચ્યુતનનું એકમાત્ર સંતાન છે બાકીના ત્રણેય ભાઈ અપરણિત હતા. તેમનો આરોપ હતો કે અરજીકર્તાની માતાએ દામોદરન સાથે લગ્ન કર્યા નહતા આથી તે કાયદેસર સંતાન નથી અને તેને સંપત્તિમાં હક મળી શકે નહીં. સંપત્તિ વિવાદ ટ્રાયલ કોર્ટમાં ગયો. કોર્ટે માન્યું કે દામોદરન લાંબા સમય સુધી ચિરુથાકુટ્ટી સાથે રહ્યો આથી માની શકાય કે તેમણે લગ્ન કર્યા હતા. ટ્રાયલ કોર્ટે સંપત્તિને બે ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો. ત્યારબાદ મામલો કેરળ હાઈકોર્ટમાં ગયો. કોર્ટે કહ્યું કે દામોદરન અને ચિરુથાકુટ્ટી લાંબા સમય સુધી સાથે રહ્યા તેના કોઈ પુરાવા નથી આથી દસ્તાવેજોથી સાબિત થાય છે કે વાદી દામોદરનનો પુત્ર જરૂર છે પરંતુ કાયદેસર સંતાન નથી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટે સ્વીકાર્યું કે દામોદરન અને ચિરુથાકુટ્ટી લાંબા સમય સુધી પતિ પત્નીની જેમ રહ્યા હતા તેના પુરાવા છે. જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે ’જો એક પુરુષ અને મહિલા લાંબા સમય સુધી પતિ પત્નીની જેમ સાથે રહે તો બંનેના લગ્ન થયા હતા તેવું માની શકાય. આવું અનુમાન એવિડન્સ એક્ટની કલમ ૧૧૪ હેઠળ લગાવી શકાય છે.’ જો કે કોર્ટે એમ પણ કહ્યું કે આ અનુમાનનું ખંડન પણ થઈ શકે છે પરંતુ એ માટે સાબિત કરવું પડશે કે બંને ભલે લાંબા સમય સુધી સાથે રહ્યા હતાં પરંતુ લગ્ન થયા નહતાં.

Related posts

પાકિસ્તાન ભારતમાં રક્તપાત માટે ઈચ્છુક છે : જનરલ રાવત

aapnugujarat

ભારતમાં બેરોજગારીનો દર ૩.૫ ટકા સુધી રહેશે

aapnugujarat

તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તરીકે અઝહરુદ્દીનને જવાબદારી સોંપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1