Aapnu Gujarat
બિઝનેસ

જીએસટીના કારણે કાપડ તથા જ્વેલરીના વેપાર પર અસર

જીએસટીના અમલને એક મહિના કરતા પણ વધુનો સમય થઇ ગયો છે, પરંતુ શહેરના વિવિધ બજારોમાં જીએસટીના અમલ બાદ વેપાર ઠંડાં જોવા મળી રહ્યાં છે. જુલાઇ મહિનામાં કાપડ બજારની અનિશ્ચિત મુદતની હડતાળ તથા જ્વેલરી ઉપર ત્રણ ટકા જીએસટી લગાવવાના કારણે વેપારને અસર પહોંચી છે.કાપડ બજારમાં હડતાળ સમેટાઇ ગયા બાદ સમાધાનના ભાગરૂપે વેપારીઓએ કામધંધા શરૂ કરી દીધા છે એટલું જ નહીં રજિસ્ટ્રેશન માટે પણ વેપારીઓ આગળ આવ્યા છે, પરંતુ પાંચ ટકા જેટલા ઊંચા જીએસટી દરના કારણે વેપારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
મોટા ભાગના વેપારીઓ હાલ જૂનો સ્ટોક ખાલી કરી રહ્યા છે એટલું જ નહીં ટ્રાન્સપોર્ટરો બહારગામની ડિલિવરી માટે મેન્યુઅલી ૪૦૨નાં ફોર્મ સ્વીકારતા નહીં હોવાના કારણે બહારગામની ડિલિવરી કરવાનું મુશ્કેલ બની રહ્યું છે.શહેરના કાપડ બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે વેપાર-ધંધા શરૂ થઇ ગયા હોવા છતાં કામકાજને માઠી અસર પહોંચી છે તથા દિવાળી અને ક્રિસમસના ઓર્ડરોના બુકિંગનું કામકાજ પણ ધીમું જોવા મળી રહ્યું છે. આ અંગે મસ્કતી માર્કેટના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે હડતાળ સમેટાઇ ગઇ હોવા છતાં વેપાર ખૂબ જ ઠંડો છે તથા ઓર્ડર બુકિંગ પણ ધીમું છે. મોટા ભાગના વેપારીઓ સરકારની રાહતની રાહ જોઇ રહ્યા છે.એ જ પ્રમાણે જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીના ઊંચા ભાવ તથા જીએસટી પૂર્વે જ્વેલરીની ખરીદીના પગલે જુલાઇ મહિનામાં વેપારને માઠી અસર પહોંચી છે અને જ્વેલરીના વેપારમાં ઘટાડો નોંધાયો છે.

Related posts

સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અપ

aapnugujarat

બ્લેક મંડે : સેંસેક્સમાં ૫૩૭ પોઈન્ટનો કડાકો

aapnugujarat

રેલવેની કેટરિંગ સેવા પર પાંચ ટકા જીએસટી રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1