Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના પુરગ્રસ્ત વિસ્તારોનું વડાપ્રધાન મોદી દ્વારા હવાઈ નિરીક્ષણ થયું

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પરિસ્થિતની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાત પહોંચ્યા હતા. મોદીએ અમદાવાદ વિમાની મથકે તરત જ સંબંધિત અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાથે ગુજરાતમાં પુરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ મોદી હેલિકોપ્ટરથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિતના પુરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ માટે નિકળ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા હતા. બીજી બાજુ આજે સવારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રત્યક્ષરીતે મળીને ગુજરાતની અતિવૃષ્ટિ અને પુરની સ્થિતિ અંગે મોદીને માહિતી આપી હતી. ત્યારબાદ જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદીએ સ્થિતિનો ચિતાર મેળવી લેવા પુરગ્રસ્ત વિસ્તાર ઉત્તર ગુજરાતમાં હવાઈ નિરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો. મોદી રૂપાણીની સાથે જ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા. હવાઈ નિરીક્ષણ બાદ મોદીએ અધિકારીઓ સાથે ફરી એકવાર બેઠક યોજી હતી. તમામ મદદ કરવાની પણ મોદીએ ખાતરી આપી હતી. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે હાલત ખરાબ થયેલી છે. ૪૬૦૦૦થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તંત્રને ફરજ પડી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હજુ પણ ચાલી રહી છે. બચાવ અને રાહત કામગીરીમાં હવે આર્મી, એર ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની મદદ લેવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ૧૦૩૦૦થી વધુ લોકોને હજુ સુધી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. આવી જ રીતે પાટણમાં ૯૭૯૦થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. સાવચેતીના પગલારૂપે અમદાવાદમાં પણ ૨૮૦૦ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ધીનેરા, ડીસા, થરાદના તમામ વિસ્તારોમાં હાલત ચિંતાજનક બનેલી છે. આ તમામ જગ્યાએ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. રસ્તા પર પાર્ક કરવામાં આવેલા વાહનો ડુબી ગયા છે. ધાનેરામાં માત્ર છ કલાકમાં જ ૨૩૫ મીમીથી વધારે વરસાદ ખાબકી જતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતી છે. સ્થિતીમાં સુધારો કરવામાં સમય લાગી શકે છે. દાંતિવાડા, સુખભાદર અને સિપુ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. પડોશી રાજસ્થાન રાજ્યમાં વધારે વરસાદના કારણે આ પ્રદેશમાં હાલત વધારે ખરાબ થઇ છે. વધારે વરસાદની આગાહી કરાઇ હોવાથી પુણેથી અન્ય ટીમો બોલાવાઇ છે. અટવાયેલા લોકોને બચાવી લેવા માટે બનાસકાંઠામાં બે હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી રહી છે. જો કે સતત વરસાદ જારી રહેતા બચાવ અને રાહત કામગીરીમાં અડચણો આવી રહી છે. ધાનેરા અને અન્ય વિસ્તારોમાં ફુડ પેકેટસ પહોંચાડી દેવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજયાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. જેના કારણે હજારો લોકોનુ સ્થાળાંતર કરવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતી સર્જાયેલી છે. ગઇકાલથી ભારે વરસાદ થઇ રહ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ સહિત સૌરાષ્ટ્ર પંથક અને કચ્છના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ચોટીલા-મોરબી, સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં જળબંબાકારની દયનીય સ્થિતિ સામે આવી છે. ઠેર-ઠેર તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોટીલા,મોરબી, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ, સહિતની બચાવ ટીમો સતત કાર્યરત રહી હતી તો, કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં તો, એરફોર્સની મદદ લઇ હેલિકોપ્ટની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા. રાજયમાં સૌથી વધુ રેસ્કયુ ઓપરેશન સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, માળીયામીયાંણા, મચ્છુ આસપાસના ગામો સહિતના વિસ્તારોમાં હાથ ધરાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી મેઘતાંડવના કારણે સૌરાષ્ટ્ર-ક્ચ્છ પંથકમાં ઠેર-ઠેર નદીઓ ગાંડીતૂર બની હતી તો, ડેમો ઓવરફલો થયા હતા અને તળાવો ફાટયા હતા. રાજયભરમાં આજે પણ ભારે વરસાદને પગલે એસટી અને રેલ વ્યવહારને ભારે અસર પહોંચી હતી. ઉત્તર ગુજરાતમાં બર્બાદી વરસતા ભારે તારાજી સર્જાઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જનજીવન સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. ઉત્તર ગુજરાતના દાંતીવાડામાં ૧૪ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે પાલનપુર અમીરગઢમાં ૧૦, ધાનેરા, લાખણીમાં ૯ ઇંચ અને વડગામમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયા બાદ હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરીમાં એનડીઆરએફ અને સેનાની મદદ લેવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી વરસાદ અને પુરના કારણે મોતનો આંકડો ૭૨ ઉપર પહોંચી ચુક્યો છે. બીજી બાજુ ગુજરાતમાં સિઝનનો વરસાદનો આંકડો ૬૦.૮૦ ટકાથી ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં વાયુસેનાના ચાર હેલિકોપ્ટરો, લશ્કરની બે કોલમ પણ મદદમાં છે.

Related posts

સિદ્ધપુર બિંદુ સરોવરમાં અગવડો વચ્ચે ચૈત્ર માસ માં પ્રથમ દિવસે 45 શ્રાદ્ધવિધિ

aapnugujarat

ढोणका-बगोदरा हाईवे पर दर्दनाक हादसा, 5 की मौत

editor

બિલ્ડરો દ્વારા પૈસા ન ચૂકવાતા ત્રાસથી કોન્ટ્રાકટરનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1