Aapnu Gujarat
ગુજરાત

ભરુચ – ખેડા જિલ્લાના ત્રણ વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના વિકાસ કામો થકી પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.
આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વચ્ર્યુઅલી લોકાર્પણ અને ખાતમુર્હૂત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનો એવા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતેના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના લોકોને તથા વાહનવ્યવહારને સરળતા થશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે.
એ જ રીતે પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂા. ૭૩ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે તેમજ ઉમરેઠ ખાતે રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકીટ હાઉસ પણ લોકો માટે ઉપયોગી નીવડશે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્યતન સુવિધાઓ સાથેના અદ્દભૂત વિકાસકામો અમારી સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા રસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટાભાગના ગામડાંઓને આવરી લેવાયા છે. જેના નિર્માણથી ગ્રામ્યસ્તરે પણ પરિવહનની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.

Related posts

समर्थन मुल्य की किमत से मुंगफली खरीदना सरकार का एक ढोंग : धानाणी

aapnugujarat

વેરાવળમાં ખારવા સમાજ દ્વારા રામાપીર બાપાની શોભાયાત્રા નીકાળાઈ

aapnugujarat

 ગુજરાત-મહારાષ્ટ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ફંડ પર બ્રેક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1