Aapnu Gujarat
Uncategorized

વિદેશી દારૂની હેરાફેરી કરતો પોલીસકર્મી પરિવાર સાથે ઝડપાયો

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પોલીસકર્મી અને તેની પત્નીને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખી દમણથી ભરૂચ સુધી વિદેશી દારૂની ખેપ મારતો ઝડપાયો છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આરોપી પોલીસકર્મી અને તેની પત્નીની ધરપકડ પણ કરી સળિયા પાછળ ધકેલી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જોકે તેમ છતાં હજુ પણ રાજ્યમાં રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે.
બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમ વલસાડના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. તે દરમિયાન જ પોલીસને મળેલી બાતમી વાળી એક સફેદ કલરની કાર હાઇવે પરથી પસાર થતાં પોલીસે તેમનો પીછો કર્યો હતો અને કાર ચાલકને કાર થોભાવવા ઇશારો કર્યો હતો. કારચાલકે કારને થોભાવી દીધી હતી. પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં પોતે ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. બાળકને સાથે લઈ અને બાજુમાં બેઠેલી મહિલા તેની પત્ની હોવાની ઓળખ આપી હતી .આથી પોલીસે કારની તપાસ કરતા કારમાંથી પોલીસ લખેલું બોર્ડ મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની અનેક બોટલો મળી આવી હતી.
પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા કારમાંથી અંદાજે ૮૭ હજારની કિંમતના વિદેશી દારૂની ૨૨૬ બોટલો મળી આવી હતી. આથી પોલીસે કારચાલક આરોપી પોલીસકર્મી દીપકભાઈ રમણભાઈ પરમાર અને તેની પત્ની મમતાબેન દીપકભાઈ પરમારની દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભરૂચ પોલીસ અધીક્ષકની કચેરીમાં રજિસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મી દીપક પરમાર પોતે દારૂની હેરાફેરીમાં મોટી કમાણી હોવાથી પોલીસને શક ન જાય તે માટે પોતાની પત્ની અને બાળકને સાથે રાખી અને દમણથી ભરૂચ સુધી દારૂની ખેપ મારતો હતો.
કારમાંથી મળી આવેલો દારૂ દમણના દેવકા બીચ રોડ પર હાર્દિક નામના એક વ્યક્તિએ ભરાવ્યો હતો અને આ દારૂનો જથ્થો ભરૂચના કરજણ તાલુકાના સારીંગ ગામના શૈલેષ ઠાકોર નામના બુટલેગરને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મી આરોપી દીપક પરમાર અને તેની પત્નીની ધરપકડ કરી હતી. જોકે તેમની સાથે તેમનું નાનું બાળક પણ હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઇ હતી. નજીક તેમનું કોઈ સંબંધી આજુબાજુના વિસ્તારમાં રહેતા ન હોવાથી બાળકને આરોપીઓની સાથે રાખવામાં આવ્યું હતું
વલસાડ એલ.સી.બી પોલીસે કોઇ પણ જાતની શેહ શરમ રાખ્યા વિના ભરૂચના એક પોલીસકર્મીને દારૂની હેરાફેરીના ગુનામાં તેની પત્ની સાથે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. દારૂની હેરાફેરીમાં મોટી કમાણીને કારણે અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસના હાથે અનેક પોલીસકર્મીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચૂકયા છે. દમણથી દારૂ ભરાવનાર હાર્દિક નામના વ્યક્તિ અને દારૂ મંગાવનાર બુટલેગર શૈલેષ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી તેમને પણ ઝડપવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલામાં ૮૭ હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને કાર મળી અંદાજે ૬ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કોડીનારમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો

editor

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શહિદ સ્મારકની અનાવરણ વિધિ

editor

દીવની બુચારવાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1