Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ફરી એકવાર રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી

સુરત શહેરમાં ફરી એકવાર રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી છે. ઓલપાડમાંથી નકલી ઇન્જેક્શન બનાવાવની ફેક્ટરી ઝડપાયા બાદ તેની ખરીદી કરનારની ધરપકડ કર્યા બાદ સતત ત્રીજા દિવસે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ખટોદરા પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરી રહેલા ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ સહિત ત્રણ જણાની ધરપકડ કરી હતી. હોસ્પિટલમાંથી ડોક્ટર દર્દીના સંબંધીને નવી સિવિલમાં પ્રિસ્ક્રિપ્શન આપી ઇન્જેક્શન મંગાવતા હતા. બાદ આ ઇન્જેક્શન હોસ્પિટલનો કમ્પાઉન્ડર અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર બહાર ઊંચી કિંમતે વેચતા હતાં.સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી અને નકલી ઈન્જેકશનનાં રોજબરોજ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મોરબીમાં ઇન્જેક્શન સાથે એક વ્યક્તિ ઝડપાયા બાદ ઓલપાડ ખાતેથી આખી ફેક્ટરી ઝડપાયા બાદ રાજ્ય વ્યાપી સમગ્ર કૌભાંડ ઝડપાયું હતું. જો કે ત્યાર બાદ સુરતમાંઆ ઈન્જેકશન ખરીદનારની ગત રોજ ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. જોકે આજે સતત ત્રીજા દિવસે વધુ ઘટના સામે આવી છે. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે.ખટોદરા પોલીસને એક વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શનનું ઊંચી કિંમતે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના પગલે ખટોદરા પોલીસે ડમી ગ્રાહક બનાવી સાંઈદીપ હોસ્પિટલનાં કમ્પાઉન્ડર સુભાષ રામસુમીરન યાદવનો સંપર્ક કર્યો હતો. સુભાષ પાસે ઇન્જેક્શનની માંગણી કરતાં તેણે એક ઇન્જેક્શનની કિંમત ૧૮ હજાર રૂપિયા હોવાનું કહ્યું હતું. જેથી તે ઇન્જેક્શન લેવા માટે સુભાષને અણુવ્રતદ્વાર, એવરગ્રીન માર્બલ સામે બોલાવ્યો હતો. તેની પાસેથી બે ઇન્જેક્શન ૩૬ હજારની કિંમતે મેળવ્યા બાદ બીજા કેટલાં ઇન્જેક્શન મળી રહેશે તે અંગે પૂછ્યું હતું.
સુભાષે તેના મિત્ર વિશાલને ફોન કરીને પૂછતાં બીજાં ૬ ઇન્જેક્શન હોવાનું કહ્યું હતું.વિશાલ સંજીવની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. વિશાલ બીજાં ૬ ઇન્જેક્શન લઈ અણુવ્રતદ્વાર પાસે જતાં પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. વિશાલ ઉગલે ભેસ્તાન ચોકડી પાસે આવેલી સાંઈદિપ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર સૈયદ અઝમત અર્સલન પાસેથી આ ઇન્જેક્શન મેળવતો હતો. ખટોદરા પોલીસે આરોપીઓ પાસેથી જુદાં-જુદાં ત્રણ પ્રકારનાં રેમડેસિવિર ઇન્જેક્શન નંગ ૮ ઈન્જેક્શન કિંમત રૂ.૯૮૯૮, મોબાઈલ ફોન નંગ ૩ કિંમત રૂ.૧૯૦૦૦ તથા રોકડા રૂ.૬૪૭૦ મળી કુલ રૂ.૩૫૩૬૮નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.પોલીસે ત્રણેય આરોપી સુભાષ રામસુમીરન યાદવ, વિશાલ રાજુભાઇ ઉગલે, અને સૈયદ અઝમત અર્સલનની ધરપકડ કરી છે. ભેસ્તાન ચોકડી પાસે આવેલી સાંઈદીપ હોસ્પિટલ ૧૯ બેડની છે. સૈયદ અઝમત એડમિન તરીકે કામ કરતો હતો. અને તેનો ભાઈ ત્યાં ડોક્ટર છે. તેમને ત્યાં જેટલા પણ દર્દી દાખલ થતાં નવી સિવિલમાં ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ ઇન્જેક્શન લેવા મોકલી આપતાં હતાં. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે દર્દીના સંબંધી ઇન્જેક્શન લઈને આવે પછી તે દર્દીને આપતા કે નહીં તે તપાસનો વિષય છે. પરંતુ તેમાંથી બચેલાં ઇન્જેક્શન ઊંચી કિંમતે કાળાબજારમાં વેચતા હતા.
સાંઈદીપ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં કેટલા દર્દી દાખલ થયા છે. દાખલ દર્દી પૈકી કેટલા દર્દીઓ માટે ઇન્જેક્શન મંગાવવામાં આવ્યાં છે. અને કેટલા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યાં છે તેની પણ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. આ માટે હોસ્પિટલનાં તમામ રજિસ્ટરો મંગાવી તપાસવામાં આવી રહ્યાં છે. આરોપીના જણાવ્યા મુજબ તેને ૧૮થી વધારે ઇન્જેક્શન ઊંચી કિમતે વેચ્યાં છે.

Related posts

ગાંધીનગરમાં પુત્રએ માતાની હત્યા કરી

aapnugujarat

નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૧૬ મીટરે પહોંચી

editor

સી પ્લેન માટે વોટર એરોડ્રામ બનાવવાની કવાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1