Aapnu Gujarat
ગુજરાત

હાઇકોર્ટ જજ અને સિનિયર વકીલો સાથેની બેઠક નિષ્ફળ

વડોદરામાં નવા બનેલા ન્યાયસંકુલ(કોર્ટ સંકુલ)માં ગઇકાલે પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. કોર્ટના પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મૂકવાની અપૂરતી વ્યવસ્થાને લઇ ભારે હોબાળો મચાવ્યો હતો અને ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બરમાં તોડફોડ મચાવતાં સ્થાનિક પોલીસે વકીલો પર લાઠીચાર્જ અને બળપ્રયોગ કરતાં મામલો બીચકયો હતો. પોલીસના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલા આક્રોશિત વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. દરમ્યાન આ સમગ્ર મામલાને શાંત પાડવા માટે આજે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને વડોદરાના સિનિયર વકીલો વચ્ચે ખૂબ જ મહત્વની બેઠક યોજાઇ હતી પરંતુ તે આખરે નિષ્ફળ રહેતાં વકીલોએ કોર્ટ કામકાજથી અળગા રહેવાનું આંદોલન જારી રાખ્યું છે. બીજીબાજુ, આજે પણ વડોદરા કોર્ટમાં મહિલા વકીલો અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણના વરવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં વડોદરાના વકીલોનો મામલો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિજય એચ.પટેલે પોલીસના અત્યાચારને આકરા શબ્દોમાં વખોડી કાઢી સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માંગણી કરી હતી. તેમણે જયાં સુધી વકીલોને ન્યાય નહી મળે ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસના વકીલો પરના અમાનવીય અત્યાચારને કોઇપણ સંજોગોમાં સાંખી લેવાશે નહી. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન વિજય એચ.પટેલે વડોદરાના વકીલો પર બેરહમીથી લાઠીચાર્જ કરનાર કસૂરવાર પોલીસ અધિકારી-કર્મચારીઓ વિરૂધ્ધ તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં લેવા પણ ઉગ્ર માંગણી કરી હતી. દરમ્યાન રાજયના જુદા જુદા વકીલમંડળો દ્વારા વડોદરાના વકીલોના સમર્થનમાં અને પોલીસ અત્યાચારના વિરોધમાં ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અને વડોદરાના વકીલોની લડતને પોતાનો ટેકો જાહેર કરાયો હતો. વડોદરા કોર્ટ સંકુલમાં પોલીસનો લોખંડી જાપ્તો તૈનાત કરી દેવાયો છે, તો બીજીબાજુ, રોષે ભરાયેલા વકીલોએ આજે પણ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન જારી રાખ્યા હતા. એ દરમ્યાન એક તબક્કે મહિલા વકીલો અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણના વરવા દ્રશ્યો પણ સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વડોદરાના આ નવા કોર્ટ સંકુલનું વિધિવત્‌ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.
રૂ.૧૩૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ નવા કોર્ટ સંકુલમાં ગઇકાલે કોર્ટના પ્રથમ દિવસે જે ટેબલ મૂકવાની બાબતને લઇ સ્થાનિક વકીલો અને કોર્ટ સત્તાધીશો વચ્ચે ચકમક ઝરી હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી વાત કયારે વણસી ગઇ તેની કોઇને ખબર જ ના પડી. વકીલોનો આક્રોશ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે, બધા એકસંપ થઇ ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બરમાં જઇ રજૂઆત કરવા માંડયા હતા એ વખતે સર્જાયેલા શાબ્દિક ઘર્ષણમાં કેટલાક રોષે ભરાયેલા વકીલોએ જજની ચેમ્બરમાં જ તોડફોડ અને હોબાળો મચાવી મૂકયો હતો, જેથી એ સમયે હાજર પોલીસ કર્મચારી અને અધિકારીઓએ વકીલોને બળપ્રયોગ અને લાઠીચાર્જ કરી જજની ચેમ્બરમાંથી હાંકી કાઢયા હતા. વકીલો સાથે પોલીસના અમાનવીય, અત્યાચારી અને દમનકારી પગલાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આક્રોશિત વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. હવે હાઇકોર્ટ સત્તાધીશો અને સ્થાનિક વકીલમંડળોને વિશ્વાસમાં લઇ આગળના સમાધાનકારી પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે, વકીલો સહેજપણ નમતુ જોખવાના મુડમાં નથી. વડોદરાના વકીલોના સંવેદનશીલ મુદ્દાને લઇ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનની એક તાકીદની બેઠક આવતીકાલે બોલાવવામાં આવી છે.

Related posts

પુત્રએ સાવકા પિતાની હત્યા કરી નાંખતા ખળભળાટ

aapnugujarat

गुजरात के ग्रामीण क्षेत्रों में ७८३२ डॉक्टरों की कमी

aapnugujarat

૮ સપ્તાહમાં કાયમી ડીજીપીની વરણી કરવા ગુજરાત સરકારને હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1