Aapnu Gujarat
ગુજરાત

વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો

ગુજરાત વિધાનસભામાં આજે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને ૪૦ જેટલા ધારાસભ્યોએ પૂરો ટેકો જાહેર કર્યો હતો. વિધાનસભાના નિયમ-૧૦૩ મુજબ, નોટિસ અપાયાના ૧૪ દિવસ બાદના સાત દિવસમાં અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરવી પડે અને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયાના એક સપ્તાહમાં તેની પર ચર્ચા વિધાનસભા ગૃહમાં હાથ ધરાય. બીજીબાજુ, અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા હાથ ના ધરાય તે માટે શાસક પક્ષ ભાજપ દ્વારા બંને પક્ષે બેઠકો અને મંત્રણાનો દોર આરંભાયો છે. વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર જો આગામી સાત દિવસમાં ચર્ચા હાથ ધરાય તો તે એક ઇતિહાસ બનશે. કારણ કે, વિધાનસભાના ઇતિહાસમાં અત્યાર સુધી કુલ ૧૭ વખત વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ વિરૂધ્ધ પ્રસ્તાવ રજૂ થઇ ચૂકયા છે પરંતુ હજુ સુધી એક પણ વખત આવી અવિશ્વાસની દરખાસ્ત કે પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરી શકાઇ નથી અને તેથી જ શાસક પક્ષ ભાજપ પણ વિપક્ષની અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા હાથ ના ધરાય તેવું ઇચ્છી રહી છે, તો બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ તેના ત્રણ ધારાસભ્યોને ગૃહમાંથી ત્રણ વર્ષ અને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે, તેમાં સસ્પેન્શનનો સમય ઓછો કરવા અથવા તો રદ કરવા સુધીની માંગણી ઉચ્ચારી રહ્યું છે. વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આજે ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, વિધાનસભાના નિયમમાં કયાંય એવો ઉલ્લેખ નથી કે, કોઇ ધારાસભ્યને એક વર્ષ કે ત્રણ વર્ષ માટે ગૃહની બહાર રાખી શકાય. ધારાસભ્ય એ પ્રજા દ્વારા ચૂંટાયેલ લોકપ્રતિનિધિ છે., જેથી તેને વિધાનસભામાંથી બહાર રાખી શકાય નહી. વિધાનસભા અધ્યક્ષ દ્વારા કઇ જોગવાઇ અને કયા નિયમો હેઠળ કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરીષ ડેરને બે વર્ષ માટે અને બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ કરે. બીજીબાજુ, કોંગ્રેસે હવે અન્ય રાજયોના વિધાનસભા અધ્યક્ષના રૂલીંગ, બંધારણીય જોગવાઇ, વિધાનસભા ચાલુ થયાના દિવસથી અધ્યક્ષની ભૂમિકા અંગેના સીસીટીવી ફુટેજ, સભ્યોના ટ્રાન્સસ્ક્રીપ્ટ વગેરે મેળવવાની તજવીજ હાથ ધરી છે. તો, શાસક પક્ષ અવિશ્વાસની દરખાસ્તને ગૃહમાં ચર્ચા માટે વિલંબિત કરી શકે છે અને તે માટે ભાજપ ચર્ચાને તા.૨૮મી માર્ચ સુધી લંબાવી શકે છે અને સાથે સાથે વહેલા ગૃહની સમાપ્તિ કરીને આવતા સત્રમાં ચર્ચા થાય તેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે કે જેથી કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન યથાવત્‌ રહે અને શાસક પક્ષ ભાજપને સમાધાન માટે વધુ સમય મળી શકે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ શૂન્યકાળ દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત અને કોંગ્રેસના ત્રણ સસ્પેન્ડેડ ધારાસભ્યો અંગે ચર્ચા કરવાનો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. આ મામલે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય શૈલેષ પરમાર અને પૂંજાભાઇ વંશે પણ ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો હતો અને આજે વિધાનસભામાં સત્તાવાર રીતે અધ્યક્ષ વિરૂધ્ધ અધ્યક્ષ પ્રસ્તાવ વિપક્ષે રજૂ કરતાં તેના ૪૦ ધારાસભ્યોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું, જેને લઇ ફરી ગરમાવાનો માહોલ બન્યો છે.

Related posts

આણંદના ગામડીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

aapnugujarat

પલસાવાળા રેલવે લાઈનના ક્રોસિંગ બંધ રાખવાનો નિર્ણય મૌકુફ રખાયો

editor

ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

Leave a Comment

UA-96247877-1