Aapnu Gujarat
ગુજરાત

રાજયસભા ચૂંટણી : ભાજપ અને કોંગ્રેસના છ ઉમેદવારો

રાજયસભાની ચાર બેઠકો માટે ગુજરાતમાંથી ભાજપ અને કોંગ્રેસના ત્રણ-ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે, છેલ્લી ઘડીયે ભાજપે પોતાના વધુ એક ઉમેદવાર પાસે ફોર્મ ભરાવ્યું છે. રાજયસભાની ચાર બેઠકો માટે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ત્રણ-ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરતાં ફરી એકવાર રાજયસભાની ચૂંટણીમાં નાટયાત્મક વળાંક આવ્યો છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ રાજયભાની ચૂંટણીમાં પણ કાંટાની ટક્કર અને જોરદાર રસાકસી જોવા મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપે આજે છેલ્લી ઘડીયે ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્ય હતા તો, કોંગ્રેસે પણ સેફ સાઇડ ગેમના ભાગરૂપે પી.કે.વાલેરાને અપક્ષ ઉમેદવારી કરાવી હતી. હવે તા.૨૩મી માર્ચે રાજયસભાની પ્રતિષ્ઠાભરી અને કાંટાની ટક્કરવાળી રસાકસીભરી ચૂંટણી યોજાશે. રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ગુજરાતમાંથી રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના મળી કુલ છ ઉમેદવારો હવે રેસમાં છે. ભાજપ તરફથી આજે સવારે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાએ રાજયસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. માંડવીયા આજે તેમના સમર્થકો-ટેકેદારો સાથે રાજયસભાની ચૂંટણીનું ફોર્મ ભરવા વિધાનસભા પહોંચ્યા હતા. રૂપાલા અને માંડવીયાના ફોર્મ ભરાયા તે પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રાજયસભાની ચૂંટણી માટે ભાજપે અઠવાડિયા પહેલા પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીને ગુજરાત બહારથી ઉમેદવારી કરાવીને ગુજરાત ભાજપના બે નેતાઓ મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાને યથાવત્‌ રખાયા હતા. બીજીબાજુ, કોંગ્રેસે ભારે સસ્પેન્સ વચ્ચે ગઇ મોડી રાત્રે છેલ્લી ઘડીયે રાજયસભાના પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં કોંગ્રેસ તરફથી ભારે વિવાદ અને વિખવાદ વચ્ચે જાણીતા મહિલા ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના લીગલ સેલના મહિલા ચેરપર્સન અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાએ વિધિવત્‌ ફોર્મ ભર્યા હતા. દસ્તાવેજોના કારણે થયેલા ભારે વિલંબ અને વિવાદ બાદ નારણ રાઠવાએ છેલ્લી ઘડીયે પોતાનું ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ દ્વારા અમીબહેન યાજ્ઞિકને રાજયસભાની ચૂંટણી માટે મેન્ડેટ અપાતાં કોંગ્રેસની મહિલા પાંખમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો અને મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબહેન પટેલે તાત્કાલિક પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધુ હતું, જેને લઇ ભારે કોંગ્રેસ પક્ષમાં આજે ભારે ઉત્તેજના અને ઘમાસાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ચાર બેઠકો માટે ચાર ફોર્મ ભરાતાં આ વખતે ચૂંટણી નહી થાય તેવી અટકળો તેજ બની હતી પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે ભાજપ દ્વારા છેલ્લી ઘડીયે પોતાના વધુ એક ઉમેદવાર કિરીટસિંહ રાણાને ફોર્મ ભરાવડાવ્યું હતું તો, કોંગ્રેસે પણ ભાજપની ચાલને ઉંધી વાળવા પક્ષના વરિષ્ઠ નેતા પી.કે.વાલેરાને અપક્ષ તરીકે રાજયસભાની ચૂંટણી માટે ફોર્મ ભરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં યોજાયેલી રાજયસભાની ગુજરાતની ચૂંટણી દેશભરમાં ચર્ચાનુ કેન્દ્ર બની હતી કારણ કે, ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, જેમાં શંકરસિંહ વાઘેલાએ પણ પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસની કમર તોડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. એ વખતે કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ ચૂંટણી લડી રહ્યા હોઇ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ હતો અને ચૂંટણીટાણે વધુ ધારાસભ્યો તૂટતા બચાવવા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગ્લુરૂ ખાતેના રિસોર્ટમાં લઇ ગઇ હતી અને આખરે રાજયસભાની ચૂંટણીમાં એહમદ પટેલની ભારે નાટયાત્મક વળાંક અને હાઇથ્રીલર ડ્રામા વચ્ચે જીત થઇ હતી.

Related posts

નર્મદા જિલ્લામાં ૭૯.૧૫ ટકા મતદાન નોંધાયું

aapnugujarat

गुजरात में दो किसान नेताओं को पुलिस ने हिरासत में लिया

editor

ગુજરાત ચૂંટણી : બીજા ચરણ માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1