Aapnu Gujarat
ગુજરાત

રાજયના પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી ઉપર સોમવારે ચુકાદો આવી શકે

રાજયના પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા ૨૦૦૭-૦૮માં મે.આલ્કોક અને એસડાઉન(ગુજરાત) લિ.ના મેનેજીંગ ડિરેકટર હતા ત્યારે એક ખાનગી કંપનીને આપેલા કોન્ટ્રાકટની રકમ મંજૂર કરાવવામાં સાહેદ સહાયરાજ સવારી મુથ્થુ પાસેથી રૂ.૨૫ લાખનું કમીશન મેળવી રાજય સેવક તરીકેની સત્તાનો દૂરપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના એસીબી દ્વારા નોંધાયેલી ફરિયાદના કેસમાં અરજદાર પૂર્વ સનદી અધિકારીએ પ્રદીપ શર્માની જામીનઅરજીમાં સોમવારે ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે. અરજદાર પ્રદીપ શર્મા દ્વારા કરાયેલી જામીનઅરજીમાં અરજદારપક્ષ, એસીબી અને સરકારપક્ષની સુનાવણી પૂર્ણ થઇ જતાં ભાવનગર સેશન્સ કોર્ટે શર્માના જામીનનો ચુકાદો તા.૨૬મી માર્ચ પર મુલત્વી રાખ્યો હતો. અરજદાર પ્રદીપ શર્મા દ્વારા જામીનઅરજીમાં મહત્વનો બચાવ રજૂ કરાયો હતો કે, એસીબીએ દસ વર્ષ પછી બિલકુલ ખોટો અને બોગસ કેસ ઉભો કરી તેમને જેલમાં જ રાખવાનું ષડયંત્ર રચ્યું છે. આ કેસમાં તપાસનીશ એજન્સી પાસે ભ્રષ્ટાચાર અંગેના અરજદાર વિરૂધ્ધ કોઇ પુરાવા નથી, તેમછતાં માત્ર નિવેદનના આધારે આખોય બોગસ કેસ ઉભો કર્યો છે. વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી હવાલા મારફતે પોતાની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના ચકચારભર્યા મની લોન્ડરીંગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તા.૮મી માર્ચે આખરે પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. બીજા દિવસે એટલે કે, તા.૯મી માર્ચે પ્રદીપ શર્મા જેલમાંથી બહાર નીકળે તે પહેલાં જ એસીબીએ સવારે છ વાગ્યે ભ્રષ્ટાચારની ઉપરોકત નવી ફરિયાદ નોંધી શર્માને જેલની બહાથી જ ઉઠાવી લીધા હતા અને ફરી ધરપકડ કરી લીધી હતી. અરજદાર પ્રદીપ શર્મા દ્વારા આ કેસમાં કરાયેલી જામીનઅરજીમાં સિનિયર કાઉન્સેલ આર.જે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં એસીબીએ આટલા વર્ષો બાદ બિલકુલ ખોટી અને ગેરકાયદે રીતે અરજદાર વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે, તેની પાછળનો આશય માત્ર ને માત્ર અરજદારને જેલમાં રાખવાનો છે. વાસ્તવમાં અગાઉ અરજદાર વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કતના કેસમાં ઓપન ઇન્કવાયરી થઇ ચૂકી છે અને તેમાં આ મુદ્દા આવરી લેવાયા છે, તેમછતાં આ ખોટી ફરિયાદ ઉભી કરાઇ છે. ભુજમાં ૨૦૧૫માં અરજદારની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફરના કેસમાં પણ ભ્રષ્ટાચારની તપાસ થઇ ચૂકી છે. એટલું જ નહી, ઇડીએ જે પીએમએલએ હેઠળ કેસ કર્યો તેમાં ઉપરોકત સાહેદ સાક્ષી છે અને તેમાં પણ તપાસ થઇ ચૂકી છે, ચાર્જશીટ થઇ ગયા છે. તેમછતાં હવે એસીબીએ આ તદ્દન ખોટો કેસ ઉભો કરી અરજદારની ધરપકડ કરી છે. શર્માના સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, દસ વર્ષ જૂના કેસમાં એસીબીએ કેમ શર્માની તા.૯મી માર્ચે જ ધરપકડ કરી કે જયારે તેમને હાઇકોર્ટે જામીન આપ્યા હતા અને તેઓ જેલમાંથી બહાર નીકળવાના હતા ત્યારે જ કેમ ફરીથી ધરપકડ કરી લીધી? જો એસીબીને આ કેસની તપાસ કરવી જ હતી તો, અરજદાર છેલ્લા દોઢ વર્ષથી જેલમાં હતા ત્યારે કેમ તપાસ ના કરી કે પૂછપરછ ના કરી અને જે દિવસે જામીન પર છૂટયા એ જ દિવસે વહેલી સવારે ફરિયાદ નોંધી અરજદાર જેલમાંથી બહાર નીકળ્યા કે તરત જ ગેરકાયદે રીતે તેમની ધરપકડ કરી લીધી. આ બીજું કંઇ નહી પરંતુ સરકાર અને તપાસનીશ એજન્સી કિન્નાખોરી રાખી અરજદાર શર્માને માત્ર ને માત્ર જેલમાં જ રાખવાના ઇરાદાથી આવી ખોટી ફરિયાદો નોંધી, તેમની વિરૂધ્ધ એક પછી એક કાનૂની કાર્યવાહી કરી તેમને તમામ રીતે હેરાન-પરેશાન કરવાનું ષડયંત્ર છે. આ સંજગોમાં કોર્ટે અરજદારને સાચા અર્થમાં ન્યાય આપી જામીન પર મુકત કરવા જોઇએ કારણ કે, ન્યાયતંત્ર સવોપરિ છે, તેમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે શર્માના જામીનનો ચુકાદો સોમવાર પર મુલત્વી રાખ્યો હતો.

Related posts

વજિરિયા જંગલના કાકડિયા ગામે ટાઇગર સફારી બનશે

aapnugujarat

લાભ પાંચમે કચ્છ જિલ્લાની અછત પરિસ્થિતિની સમીક્ષા

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણીએ દાહોદનાં કંથાગર ગામે તળાવ ઉંડા કરવાનાં કામનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1