Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં ૨૭ વર્ષમાં ૪૦ હજારથી વધુના મૃત્યુ : હેવાલમાં ધડાકો

જમ્મુ કાશ્મીરમાં રક્તપાતનો દોર છેલ્લા અનેક વર્ષોથી જારી રહ્યો છે. ખીણમાં ૨૭ વર્ષમાં ૪૦૦૦૦ લોકોના મોત થઇ ચુક્યા છે જે ૪૦૦૦૦ લોકોના મોત થયા છે તેમાં ૧૩૯૪૧ નાગરિકો અને ૨૧૯૬૫ ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે.વર્ષ ૧૯૯૦થી નવમી એપ્રિલ ૨૦૧૭ સુધીના આંકડામાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે. જો કે ત્યારબાદના ગાળા બાદ પણ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. જેમાં જવાનોનો પણ સમાવેશ થાય છે. આ ગાળા દરમિયાન શહીદ થયેલા જવાનોની સંખ્યા ૫૦૫૫ નોંધાઇ ગઇ છે. આ ગાળા દરમિયાન ઘાયલ થયેલા જવાનોની સંખ્યા ૧૩૫૦૨ નોંધાઇ ગઇ છે. કાશ્મીરમાં હાલમાં હિંસાને લઇને એક આરટીઆઇ કરવામાં આવી હતી. જેના જવાબમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ ૧૯૯૦થી નવમી એપ્રિલ ૨૦૧૭ સુધીના આંકડા જારી કર્યા છે. જેમાં મોતનો શિકાર થયેલા લોકો અંગે પુરતી માહિતી આપવામાં આવી છે. જેમાં સ્થાનિક નાગરિકો, સુરક્ષા દળોના જવાન અને ત્રાસવાદી સામેલ છે. છેલ્લા ત્રણ દશકના ગાળામાં હિંસાના દોરમાં વર્ષ ૨૦૦૧માં સૌથી વધારે હિંસા થઇ હતી. આ વર્ષ દરમિયાન ૩૫૫૨ મોત થયા હતા. જે લોકો મોતનો શિકાર થયા હતા તેમાં ૯૯૬ સ્થાનિક લોકો અને ૨૦૨૦ ત્રાસવાદીનો સમાવેશ થાય છે. જ્યારે સુરક્ષા દળના ૫૩૬ જવાનો શહીદ થયા હતા. સ્થાનિક નાગરિકોના સૌથી વધારે મોત ૧૩૪૧ વર્ષ ૧૯૯૬માં થયા હતા. જ્યારે ૧૯૯૫માં ૧૦૩૧ નાગરિકોના મોત થયા હતા. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૨ના બાદ ત્રાસવાદી ઘટના સંબંધિત નુકસાનમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૨માં માત્ર ૧૦૨ મોત થયા હતા. જેમાં ૧૫ નાગરિકો અને ૭૨ ત્રાસવાદી સામેલ છે. જ્યારે ૧૫ જવાન શહીદ થયા હતા. આરટીઆઇમાં મંત્રાલય દ્વારા કાશ્મીરમાં ત્રાસવાદી ઘટનામાં સંપત્તિની વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે કાશ્મીર સરકાર પાસેથી આ માહિતી મેળવી શકાય છે. રમણ શર્મા દ્વારા અરજી કરી માહિતી માંગવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં ફરી ત્રાસવાદી ઘટના વધી હતી. વર્ષ ૨૦૧૩ બાદ ફરી એકવાર ત્રાસવાદી ઘટનાના કારણે મોતનો આંકડો વધવા લાગ્યો છે. વર્ષ ૨૦૧૬માં વર્ષ ૨૦૧૨ની તુલનામાં બે ગણો વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન ૨૪૭ લોકોના મોત થયા હતા. જેમાં ૧૫ નાગરિકોનો સમાવેશ થાય છે. ૧૫૦ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતો. જ્યારે ૮૨ જવાન શહીદ થયા હતા. વર્ષ ૨૦૧૭માં ૩૧મી માર્ચ સુધી ૫૨ લોકોના મોત થયા હતા જેમાં પાંચ નાગરિકો અને ૩૫ ત્રાસવાદી હતા. જ્યારે ૧૨ જવાન શહીદ થયા હતા.ત્રાસવાદી હુમલામાં થયેલા નુકસાનના મામલે માહિતી કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો .આના માટે કહેવામાં આવ્યુ છે કે આ સંબંધમાં માહિતી તો જમ્મુ કાશ્મીર સરકાર જ આપી શકે છે. કાશ્મીરમાં ઘણા સમયથી રક્તપાતનો દોર જારી રહ્યો છે. હિંસાનો અંત લાવવા માટે બનતા તમામ પ્રયાસ કર્યા હોવા છતાં સ્થિતીમાં સુધારો થઇ રહ્યો નથી. કારણ કે સ્થાનિક યુવાનો ગેરમાર્ગે દોરાયેલા છે. તેમને ઉશ્કેરવામાં અલગતાવાદી કટ્ટરપથીની ભૂમિકા રહેલી છે. અલગતાવાદીઓ દ્વારા વારંવાર બંધ અને હડતાળની હાકલ કરવામાં આવી રહી છે. આ લોકો જ સ્થિતી સામાન્ય ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા દળો અને સરકારની યોજના સામે પાણી ફેરી રહ્યા છે…

Related posts

ભારત અને સેશલ્સ વચ્ચે છ સમજૂતિ ઉપર હસ્તાક્ષર

aapnugujarat

સુપ્રીમ કોર્ટે ફગાવી કુરાનની આયાતો વિરૂદ્ધની અરજી

editor

છત્તીસગઢ : બઘેલ સરકારના નવ મંત્રીઓએ શપથગ્રહણ કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1