Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં કાંતિ અમૃતિયા, નીમાબેનને એક-એક વર્ષની કેદની સજા

સને ૨૦૦૯માં લોકસભા ચૂંટણી દરમ્યાન મોરબીમાં સનાળા રોડ પર મોર્ડન હોલમાં યોજાયેલા એક ચૂંટણી કાર્યક્રમમાં ભાજપ તરફી મતદાન કરશો તો રોકડ રકમની જાહેરમાં ઓફર કરવાના ચૂંટણી આચારસંહિતના ભંગના ચકચારભર્યા કેસમાં મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ જે.જી.દામોદરાએ મોરબી,માળિયા બેઠકના તત્કાલીન ધારાસભ્ય કાંતિ અમૃતીયા, અંજારના તત્કાલીન ધારાસભ્ય નીમાબહેન આચાર્ય અને હાલના પાસના કન્વીનર મનોજ પનારાને એક-એક વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦-૧૦૦ નો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. જો કે, સજા બાદ આરોપીપક્ષ તરફથી ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે મહેતલની માંગણી કરવામાં આવતાં કોર્ટે તમામને ૩૦ દિવસના જામીન આપ્યા હતા. જો કે, મોરબી કોર્ટના સજાના આજના ચુકાદાને પગલે ગુજરાતના રાજકારણમાં બહુ જોરદાર ચકચાર મચી ગઇ હતી. રાજનેતાઓને સબક સમાન સજા કરવાના નીચલી કોર્ટના ચુકાદાની ચોતરફ સરાહના થતી જોવા મળી હતી. તો બીજીબાજુ, રાજકીય પક્ષો અને ખાસ કરીને નેતાઓમાં ફફડાટની લાગણી પ્રસરેલી જોવા મળી હતી. ચકચારભર્યા એવા આ કેસની વિગતો એવી છે કે, ૨૦૦૯ની લોકસભા ચૂંટણી દરમ્યાન તા.૧૮-૩-૨૦૦૯ના રોજ મોરબીમાં સનાળા રોડ પર મોર્ડન હોલમાં તત્કાલીન યુવા ભાજપ પ્રમુખ મનોજ પનારાએ નૂતન મતદાર સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં મોરબી,માળિયા બેઠકના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતીયા, અંજારના તત્કાલીન ધારાસભ્ય નીમાબહેન આચાર્ય પણ હાજર હતા. ચૂંટણી પ્રચાર દરમ્યાન એ વખતે આચારસંહિતા લાગુ હતી અને એ વખતે કાંતિ અમૃતીયાએ જાહેર કર્યું હતું કે, મોરબીમાં જે વિસ્તારમાં ભાજપને વધુ મત મળશે ત્યાં દોઢ લાખ રૂપિયાનું ઇનામ અપાશે. એ પછી ભુજની અંજાર બેઠકના તત્કાલીન ધારાસભ્ય નીમાબહેન આચાર્યએ પણ ઉત્સાહમાં આવી જઇને જો ભાજપ તરફી મતદાન થશે તો, પાંચ લાખ રૂપિયા સંસદસભ્યની ગ્રાન્ટમાંથી આપશે તેવી જાહેરાત કરી હતી. ચૂંટણી આચારસંહિતનો ભંગ કરી જાહેરમાં રોકડ રકમ આપવાની ઓફર અને લાલચ આપવાના પ્રકરણમાં તત્કાલીન મદદનીશ ચૂંટણી અધિકારી એ.જે.પટેલે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતાં મોરબી ક કોર્ટ દ્વારા સબક સમાન ચુકાદા મારફતે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અંજારના તત્કાલીન ધારાસભ્ય નીમાબહેન આચાર્ય અને પાસના હાલના કન્વીનર મનોજ પનારાને એક-એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ હુકમને પગલે ગુજરાત રાજકીય વર્તુળમાં જોરદાર ચકચાર મચી ગઇ હતી. સજા પામેલ આરોપી પક્ષ તરફથી નીચલી કોર્ટના આ હુકમ સામે ઉપલી અદાલતમાં અપીલ કરવી હોઇ સમય અને જામીનની માંગણી કરવામાં આવી હતી, જેને ધ્યાને લઇ કોર્ટે આરોપીઓને ૩૦ દિવસના જામીન આપ્યા હતા.

Related posts

બિસ્માર રસ્તા એપ્રિલ સુધી રિપેર કરી દેવા માટે તૈયારી

aapnugujarat

આમલેથા પોલીસે ઠગ મહિલાઓની ટોળકી ઝડપી

aapnugujarat

તલોદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1