Aapnu Gujarat
ગુજરાત

કેટલાક દ્વારા મારી કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર કરાયું : મ્યુનિ.વિપક્ષ નેતા દિનેશ શર્મા

૨૦૧૭ની તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના મામલામાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે, તેના પ્રત્યુત્તરમાં આજે વિપક્ષના નેતાએ એક પત્રકાર પરિષદ કરી કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને તેમના પક્ષના જ કેટલાક લોકો પર ગંભીર પ્રહાર કરી આ સમગ્ર મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને તટસ્થ અને ન્યાયી તપાસ કરવા માંગણી કરી છે. વિપક્ષના નેતા દિનેશ શર્માએ જો તેમની વિરૂધ્ધના આક્ષેપો સાચા સાબિત થાય તો રાજકારણ છોડી દેવાની તૈયારી બતાવી છે પરંતુ જો તેમની વિરૂધ્ધ કરાયેલા આક્ષેપો અને ફરિયાદ ખોટા સાબિત થાય તો જે ઉમેદવારે તેમની વિરૂધ્ધ ફરિયાદ કરી છે તેને નોટિસ ફટકારી, ખુલાસો માંગી કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષના મોવડીઓને પડકાર ફેંકયો છે. ચૂંટણી અંગેની પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઇ ઉઠેલી ફરિયાદ પ્રકરણમાં આ પ્રકારે જાહેરમાં પત્રકાર પરિષદ ખુલાસો કરાયો હોય તેવી આ સૌપ્રથમ ઘટના હોઇ ફરી એકવાર કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા દિનેશ શર્માએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેમના પક્ષના કેટલાક નેતાઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને હાઇકમાન્ડને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વાસ્તવમાં ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. શહેરમાં બાપુનગર વિધાનસભા બેઠક છેલ્લા ૨૧ વર્ષોથી કોંગ્રેસ હારતી હતી ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓનો ખુલાસો મંગાયો ન હતો અને હવે આ વખતે બાપુનગર બેઠક જીત્યા તો પણ ઉમેદવારની ફરિયાદના આધારે મારો ખુલાસો મંગાયો છે તે કેટલું વાજબી છે. તેમણે ઉમેર્યું કે, મેં અમ્યુકોમાં વિપક્ષના નેતા તરીકે ભાજપના શાસકોની પોલ ખોલવામાં અને ભ્રષ્ટાચારના કૌભાંડોનો પર્દાફાશ કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. વાસ્તવમાં શહેરના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં રહીને આસ્તીનના સાપની જેમ કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરી રહ્યા છે અને યુવા નેતાગીરીને ઉભી થતી રોકવા અને મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના ષડયંત્રના ભાગરૂપે આવા હીન કૃત્યો કરી રહ્યા છે. અમ્યુકોમાં વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ આગામી દિવસોમાં આ સમગ્ર મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને રૂબરૂ મળી રજૂઆત કરશે અને કોંગ્રેસ પક્ષમાં સ્થાનિક કક્ષાએ ચાલતા આવા હીન રાજકારણ વિશે ફરિયાદ કરશે. તેમણે ઉમેર્યું કે, મારી વિરૂધ્ધ કોણે ફરિયાદ કરી છે તે હું જાણતો નથી પરંતુ જો મારી વિરૂધ્ધના આક્ષેપો સાચા સાબિત થાય તો હું રાજકારણ છોડી દઇશ પરંતુ જો ખોટા સાબિત થાય તો જે કોઇએ મારી વિરૂધ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિની આવી ખોટી ફરિયાદ કરી છે તેનું નામ જાહેર કરવામાં આવે અને આવી ખોટી ફરિયાદ કરનારાને કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે તેવી મારી કોંગ્રેસ મોવડીઓ સમક્ષ ઉગ્ર માંગણી છે.

Related posts

બાવળાની સગીરા સાથે ગેંગ રેપના ત્રણ આરોપીઓ પકડાયા

aapnugujarat

રાજ્યમાં હજુય વરસાદ ખેંચાવાની શક્યતા

aapnugujarat

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1